<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

હવે ખાતામાંથી પૈસા ગાયબ નહીં થાય! ઓનલાઇન સાયબર છેતરપિંડી અને મની મ્યુલ એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી માટે RBI નો મોટો પ્લાન, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર બેંકો લાદશે 'ડેબિટ હોલ્ડ'

₹૧,૦૦૦ થી વધુના શંકાસ્પદ વ્યવહારો પર બેંક તાત્કાલિક લોક લગાવી શકશે; ગ્રાહકને ખુલાસો કરવા માટે મળશે ૨૦ દિવસનો સમય, સમગ્ર ખાતું ફ્રીઝ કરવું એ છેલ્લો વિકલ્પ રહેશે

મુંબઈ, તા.૧૫: દેશમાં દિવસેને દિવસે વધી રહેલા સાયબર ક્રાઈમ, ડિજિટલ ફ્રોડ અને 'મની મ્યુલ' એકાઉન્ટ્સ દ્વારા થતી નાણાકીય હેરાફેરી પર પૂર્ણવિરામ મૂકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો અને ક્રાંતિકારી ડ્રાફ્ટ જારી કર્યો છે. નવા નિયમો હેઠળ, જો બેંકની સિસ્ટમ તમારા ખાતામાં ₹૧,૦૦૦ કે તેથી વધુનો કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર ડિટેક્ટ કરશે, તો બેંક તે નાણાંના ઉપાડ કે અન્ય ટ્રાન્સફર પર તાત્કાલિક કામચલાઉ 'ડેબિટ હોલ્ડ' (Debit Hold) મૂકી દેશે. આ પગલાનો મુખ્ય હેતુ છેતરપિંડીથી જમા થયેલા પૈસાને સાયબર ગુનેગારો દ્વારા ઉપાડી લેતા કે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરતા અટકાવવાનો છે.

નવા નિયમો મુજબ, બેંકો ગ્રાહકને કારણ આપ્યા વિના કાયમી ધોરણે પૈસા રોકી શકશે નહીં. ખાતા પર 'ડેબિટ હોલ્ડ' મુકાયા બાદ, બેંક ગ્રાહકને નોટિસ પાઠવશે અને ગ્રાહકને પોતાના ટ્રાન્સફરની પ્રામાણિકતા સાબિત કરવા માટે ૨૦ દિવસનો પૂરતો સમય આપવામાં આવશે. ગ્રાહકનો જવાબ મળ્યાના ૧૦ દિવસની અંદર બેંકે હોલ્ડ હટાવવો કે ચાલુ રાખવો તેનો આખરી નિર્ણય લેવો પડશે. જો ગ્રાહક તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળે, તો બેંકે હોલ્ડની તારીખથી ૩૦ દિવસમાં આગળની કાર્યવાહી નક્કી કરવાની રહેશે.

જો તપાસ દરમિયાન બેંકને ખાતરી થાય કે વ્યવહાર સાયબર છેતરપિંડી સાથે જોડાયેલો છે, તો આ મામલો તાત્કાલિક પોલીસ અથવા તપાસ એજન્સીઓને સોંપવામાં આવશે. એજન્સીઓની વિશેષ સૂચના વગર કામચલાઉ ડેબિટ હોલ્ડની મહત્તમ મર્યાદા ૬૦ દિવસની રહેશે. આ સિવાય જો આખું ખાતું જ મની મ્યુલ હોવાની શંકા જશે, તો સમગ્ર એકાઉન્ટ પર રોક લગાવાશે, પરંતુ RBI એ સ્પષ્ટ કર્યું છે કે આખું એકાઉન્ટ ફ્રીઝ કરવું એ બેંકો માટે છેલ્લો વિકલ્પ હોવો જોઈએ. આરબીઆઈ આ પ્રસ્તાવિત નિયમોને ૧ એપ્રિલ, ૨૦૨૭ થી સમગ્ર દેશમાં અમલી બનાવવાની યોજના બનાવી રહી છે.

(4:31 PM IST)