તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
હવે એક અધિકારીને મળશે માત્ર એક જ સરકારી કાર: કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ નિર્ણયથી સરકારી સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ થશે, બિનજરૂરી ખર્ચ ઘટશે અને વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ જવાબદારી બંનેમાં વધારો થશે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારએ સરકારી વાહનોન દુરુપયોગને રોકવા અને સરકારી ખર્ચમાં ઘટાડો લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે “વન ઓફિસર, વન ઓફિશિયલ કાર”ની નવી નીતિ સમગ્ર કેન્દ્ર સરકારના તંત્રમાં અમલમાં મૂકવામાં આવી છે. આ નિયમ હેઠળ જો કોઈ અધિકારીને પહેલેથી જ સરકારી કાર ફાળવવામાં આવી હોય, તો તેને અન્ય કોઈ મંત્રાલય, વિભાગ અથવા સરકારી સંસ્થાનો વધારાનો ચાર્જ મળ્યા બાદ બીજી સરકારી કાર આપવામાં આવશે નહીં.
સરકારનું માનવું છે કે આ નિર્ણયથી સરકારી સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ થશે, બિનજરૂરી ખર્ચ ઘટશે અને વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ જવાબદારી બંનેમાં વધારો થશે.
નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઓફિસ મેમોરેન્ડમ મુજબ એક અધિકારીને માત્ર એક જ અધિકૃત સરકારી વાહન મળશે. જો તે જ અધિકારી અન્ય મંત્રાલય, વિભાગ, જાહેર ક્ષેત્રની કંપની (PSU) અથવા સ્વાયત્ત સંસ્થાનો વધારાનો હવાલો સંભાળે, તો પણ તેના માટે અલગ સરકારી વાહનની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ એક જ અધિકારીને અનેક સરકારી વાહનો ફાળવવાની પ્રથા પર રોક લગાવવાનો છે.
કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને આ નવી નીતિનું કડક પાલન કરવાની સૂચના આપી છે. સાથે જ જે સરકારી વાહનોનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો નથી, તે વાહનોને સુરક્ષિત સ્થળે રાખવા અને તેનો બિનજરૂરી ઉપયોગ અટકાવવા પણ જણાવાયું છે. સરકારનું માનવું છે કે સરકારી સંપત્તિનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ જ થવો જોઈએ. જે વાહનોનો ઉપયોગ થતો નથી, તેમના જાળવણી અને અન્ય ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે.
નવા નિયમની એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે કેન્દ્ર સરકારના અધિકારીઓ હવે જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU), સ્વાયત્ત સંસ્થાઓ અથવા અર્ધ-સરકારી સંસ્થાઓના વાહનોનો નિયમિત ઉપયોગ કરી શકશે નહીં. જો કે, અધિકારી કોઈ સત્તાવાર પ્રવાસ અથવા સરકારી કાર્ય માટે આવી સંસ્થામાં હાજર હોય, તો તે સંજોગોમાં સંબંધિત સંસ્થા દ્વારા વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે. એટલે કે, આ છૂટ માત્ર સત્તાવાર કામ પૂરતી જ મર્યાદિત રહેશે.
ખર્ચ વિભાગે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2022માં સરકારી વાહનોના ઉપયોગ અંગે કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી હતી. હવે નવી ઓફિસ મેમોરેન્ડમ દ્વારા તે જ નિયમોને વધુ સ્પષ્ટ અને અસરકારક રીતે સમગ્ર કેન્દ્ર સરકારના વહીવટી માળખામાં અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને સત્તાવાર રીતે નવા આદેશની નકલ મોકલી આપવામાં આવી છે.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
