હવે કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો ચલણમાં આવશે : RBIએ પોલીમર શીટ્સ માટે ગ્લોબલ ટેન્ડર જાહેર કર્યું
પ્લાસ્ટિક એટલે કે પૉલિમર નોટો સામાન્ય કાગળની કરન્સી કરતાં ઘણી બાબતોમાં ચડિયાતી

ભારતીય ચલણના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ જોવા મળી શકે છે. દેશમાં હવે કાગળની જગ્યાએ પ્લાસ્ટિક એટલે કે પૉલિમર નોટો ચલણમાં લાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પૉલિમર નોટોના સંચાલન માટે એક મોટો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે.
દેશની કરન્સી સિસ્ટમને વધુ આધુનિક અને મજબૂત બનાવવા માટે RBIએ મોટું પગલું ભર્યું છે. એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ રિઝર્વ બેંકની નોટ મુદ્રણ શાખા દ્વારા નોટોના પ્રિન્ટિંગ માટે વપરાતી ઓપેસિફાઇડ પૉલિમર સબસ્ટ્રેટ શીટ્સ (પ્લાસ્ટિક નોટ બનાવવાનો બેઝ મટીરિયલ) માટે વૈશ્વિક ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. રસ ધરાવતી કંપનીઓ માટે આ ટેન્ડર (EOI) હેઠળ બોલી સબમિટ કરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.
RBI આ પ્રોજેક્ટ પર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. શરૂઆતી તબક્કામાં ₹10 અને ₹20ની નાની નોટો સાથે આ નવો પ્રયોગ શરૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. જો કે, આ નોટો કઈ ચોક્કસ તારીખથી સામાન્ય જનતાના હાથમાં આવશે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, દેશભરમાં આ પ્લાસ્ટિક નોટોનું ફૂલ-સ્કેલ રોલઆઉટ વર્ષ 2027થી શરૂ થઈ શકે છે.
વધુ ટકાઉપણું: આ નોટો કાગળની જેમ જલ્દી ફાટતી નથી અને લાંબો સમય ચાલે છે.
ખરાબ થવાનો ડર નહીં: આ નોટો પર પાણી, ગંદકી કે ભેજની કોઈ અસર થતી નથી. જો ખિસ્સામાં રહી જાય અને કપડાં ધોવાઈ જાય, તો પણ નોટને નુકસાન થતું નથી.
ખર્ચમાં બચત: શરૂઆતમાં પ્લાસ્ટિક નોટો છાપવાનો ખર્ચ કાગળ કરતાં થોડો વધારે હોઈ શકે છે, પરંતુ તેની લાઈફ લાંબી હોવાથી તેને વારંવાર છાપવાની જરૂર પડતી નથી. જેના કારણે લાંબા ગાળે સરકારના કરોડો રૂપિયા બચે છે.
ભારત માટે આ ભલે નવો પ્રયોગ હોય, પણ વૈશ્વિક સ્તરે આ ટેક્નોલોજી ઘણી જૂની છે. દુનિયાના આશરે 60 દેશો એવા છે જ્યાં પૉલિમર નોટો સફળતાપૂર્વક ચલણમાં છે. આ ટ્રેન્ડની શરૂઆત સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાએ કરી હતી. ત્યારબાદ કેનેડા, યુનાઇટેડ કિંગડમ (UK), સિંગાપોર, ન્યુઝીલેન્ડ, મલેશિયા, થાઈલેન્ડ, રોમાનિયા અને બ્રુનેઈ જેવા શક્તિશાળી અર્થતંત્રોએ પણ તેને અપનાવી લીધું છે. હવે ભારત પણ આ લિસ્ટમાં સામેલ થવા માટે સજ્જ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
