<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

હવે આકાશમાંથી આવશે સંજીવની! આદિવાસી વિસ્તારોમાં ડ્રોન બન્યું દેવદૂત, દવાઓ પહોંચાડવામાં રચ્યો ઈતિહાસ

મુશ્કેલ ડુંગરાળ વિસ્તારોમાં આંધ્ર સરકારનું હાઈટેક મિશન: 1,000 ફ્લાઈટ્સ દ્વારા 40,000 કિલોમીટરનું અંતર કાપી 25,000 થી વધુ મેડિકલ કિટ્સ પહોંચાડી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ સર્જી!

અલ્લુરી સીતારામ રાજુ:આધુનિક ટેકનોલોજી જ્યારે માનવતાના કલ્યાણ માટે વપરાય છે ત્યારે કેવા અદભૂત પરિણામો મળે છે તેનું જીવંત ઉદાહરણ આંધ્ર પ્રદેશના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે રીઅલ ટાઇમ ગવર્નન્સ સિસ્ટમ અને ટેકનોલોજી પાર્ટનર રેડવિંગના સહયોગથી એક અત્યંત મહત્વાકાંક્ષી 'ડ્રોન ડિલિવરી' પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. જ્યાં કાચા રસ્તાઓ અને ગાઢ જંગલોને કારણે એમ્બ્યુલન્સ પહોંચવામાં કલાકો લાગતા હતા, ત્યાં હવે આધુનિક ડ્રોન મિનિટોમાં જીવનરક્ષક દવાઓ અને રક્તના નમૂનાઓ પહોંચાડી રહ્યા છે, જે ગંભીર દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.

આ મેડિકલ ડ્રોન પ્રોજેક્ટની સફળતાના આંકડા પણ ચોંકાવનારા છે. અત્યાર સુધીમાં આ ડ્રોન્સે કુલ 1,000 સફળ ઉડાન ભરીને આશરે 40,000 કિલોમીટરથી વધુનું અંતર આકાશમાં કાપ્યું છે. પાદેરુ મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલને કેન્દ્રમાં રાખીને ચલાવવામાં આવતા આ મિશન દ્વારા 25,000 થી વધુ તબીબી ઉત્પાદનોનું સુરક્ષિત એરલિફ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ડ્રોન ખાસ કોલ્ડ ચેઇન સુવિધાથી સજ્જ છે, જેના કારણે રસી, લોહીના યુનિટ અને અન્ય સંવેદનશીલ દવાઓની ગુણવત્તામાં સહેજ પણ ઘટાડો થતો નથી અને તે જરૂરિયાતમંદો સુધી તાજી સ્થિતિમાં પહોંચે છે.

ભવિષ્યમાં આ મોડેલને રાજ્યના અન્ય દુર્ગમ જિલ્લાઓમાં પણ વિસ્તૃત કરવાની સરકારની યોજના છે. બે કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવતા આ ડ્રોન માત્ર સમય જ નથી બચાવતા, પરંતુ ડુંગરાળ ભૂગોળના અવરોધોને તોડીને આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી રહ્યા છે. યુએસ સ્થિત યુપીએસ ફાઉન્ડેશનના સમર્થનથી ચાલતી આ પહેલ દર્શાવે છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો ટેકનોલોજીના માધ્યમથી અંતરિયાળ ગામડાઓને પણ મુખ્યધારાની સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે જોડી શકાય છે. આ સફળ પ્રયોગથી હવે દર્દીઓને સમયસર નિદાન અને સારવાર મળતી થઈ છે.

(12:25 AM IST)