<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

હવે CBSE શાળાઓમાં ગુંજશે મૈથિલી ભાષાનો મીઠો રણકો: મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય, બિહારની સાંસ્કૃતિક ઓળખને મળી નવી ઊંચાઈ!

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ લેવાયેલો મોટો નિર્ણય: CBSE ના અભ્યાસક્રમમાં મૈથિલી ભાષાને સ્થાન મળતા મિથિલાવાસીઓમાં ખુશીનું મોજું; મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર.

દરભંગા : બિહારના મિથિલા ક્ષેત્રના લોકો માટે ગર્વ અને ઉત્સાહનો દિવસ છે. હવે CBSE સંલગ્ન શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 1 થી માધ્યમિક સ્તર સુધી મૈથિલી ભાષાને એક વિષય તરીકે ભણી શકશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા દેશની 22 માતૃભાષાઓની યાદીમાં મૈથિલીનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે, જે મિથિલાની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ભાષાકીય ગૌરવ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે.
આ અંગે કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ દરભંગાના સાંસદ ગોપાલજી ઠાકુરને મોકલેલા સત્તાવાર પત્રમાં માહિતી આપી હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની ભલામણોને અનુસરીને, વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા સાથે જોડવાના પ્રયાસરૂપે આ પહેલ કરવામાં આવી છે. હાલ NCERT દ્વારા મૈથિલી સહિતની તમામ 22 અનુસૂચિત ભાષાઓમાં પાઠ્યપુસ્તકોનું ભાષાંતર કરવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓને તેમના જ શિક્ષણ માધ્યમમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે.
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા ટ્વિટ કર્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને સતત નવી શક્તિ મળી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ નિર્ણય માત્ર મૈથિલી ભાષાને સન્માન અપાવશે એટલું જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓને તેમની માતૃભૂમિ અને સંસ્કૃતિના મૂળિયાં સાથે મજબૂતીથી જોડી રાખવાનું કામ કરશે. સાંસદ ગોપાલજી ઠાકુર, જેમણે આ માટે લાંબા સમયથી ઝુંબેશ ચલાવી હતી, તેમણે જણાવ્યું કે CBSE ઉપરાંત CTET જેવી પરીક્ષાઓમાં પણ મૈથિલીનો સમાવેશ થવો એ સમગ્ર મિથિલાવાસીઓ માટે મોટી સિદ્ધિ છે.
આ નિર્ણયથી માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ મૈથિલી ભાષાના પ્રસારને વેગ મળશે. નિષ્ણાતો માને છે કે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ આપવાથી વિદ્યાર્થીઓની સમજણ અને વિષય પરની પકડ વધુ મજબૂત બને છે. હવે જોવાનું એ રહેશે કે શાળાઓ આ નવી ભાષાના અમલીકરણ માટે કેટલી ઝડપથી તૈયારીઓ કરે છે, પરંતુ હાલ તો મિથિલાના ખૂણે-ખૂણે આનંદનું વાતાવરણ છવાયેલું છે.

(7:53 PM IST)