News of Friday, 17th April 2026
હવે ટેક મહિન્દ્રા નવા વિવાદમાં સપડાઈ :રમઝાન દરમિયાન નમાજ-ઈફ્તાર માટે 'ફૂટવેર-ફ્રી ઝોન' બનાવવાના દાવા
કંપનીએ ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ ધર્મના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને તમામ કર્મચારીઓને સમાન તથા સન્માનજનક માહોલ પૂરો પાડવા માટે કટિબદ્ધ

મુંબઈ :ભારતના IT સેક્ટરમાં વર્ક કલ્ચરને લઈને ઉપરાછાપરી વિવાદ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ફોસિસમાં થયેલા વિવાદો શમ્યા નથી, ત્યાં જ હવે ટેક મહિન્દ્રા પણ નવા વિવાદમાં સપડાઈ છે. અહીં રમઝાન દરમિયાન 'ફૂટવેર-ફ્રી ઝોન' બનાવવાના દાવા કરવામાં આવ્યા છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોમ્બે હાઈકોર્ટના વકીલ આશુતોષ કે. દુબેની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ભારે વાયરલ થયો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ટેક મહિન્દ્રાની મુંબઈના ગોરેગાંવ સ્થિત ઓફિસની કેન્ટીનને રમઝાન મહિના દરમિયાન નમાજ-ઈફ્તાર માટે 'ફૂટવેર-ફ્રી ઝોન' (પગરખાં મુક્ત વિસ્તાર) જાહેર કરવામાં આવ્યો હતો.
જોકે, ટેક મહિન્દ્રાએ આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આંતરિક તપાસમાં આ દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા સાબિત થયા છે. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ ધર્મના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને તમામ કર્મચારીઓને સમાન તથા સન્માનજનક માહોલ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે.
ટેક મહિન્દ્રા પહેલાં ઇન્ફોસિસનું નામ પણ આવા જ એક વિવાદમાં ઉછળ્યું હતું. પુણે સ્થિત કંપનીના BPM યુનિટ અંગે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ સામે આવી હતી. જેમાં મહિલા કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને ખરાબ વ્યવહાર કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
જોકે થોડા સમય બાદ આ પોસ્ટ્સ હટાવી લેવામાં આવી હતી, પરંતુ તેણે ભારે વિવાદ જગાવ્યો હતો. આ મામલે ઇન્ફોસિસે સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું હતું કે કંપની ઉત્પીડન અને ભેદભાવ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવે છે. દરેક ફરિયાદની સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવે છે, અને કર્મચારીઓને તેમની વાત મુક્તપણે રજૂ કરવાની તક છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
