News of Saturday, 14th November 2026
રામલીલા મેદાનમાં હવે ‘મનમાની' પર લાગશે બ્રેક! દિલ્હી પોલીસે તૈયાર કર્યો કડક નિયમોનો નવો એક્શન પ્લાન
હવે ૫૦,૦૦૦ થી વધુની ભીડ પર પ્રતિબંધઃ સવારે ૧૦ થી સાંજે ૫ સુધી જ રેલીઓની મંજૂરી આયોજકોએ ૧૦ દિવસ અગાઉ MCD નું પ્રમાણપત્ર અને પોલીસ પરવાનગી લેવી ફરજિયાત બનશે

નવી દિલ્હી, તા.૧૪: દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં હવે પહેલાંની જેમ ગમે ત્યારે કે અનિયંત્રિત ભીડ સાથે વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજવી સરળ નહીં રહે. તાજેતરમાં ૧ નવેમ્બરના રોજ યોજાયેલી એક વિશાળ વિરોધ રેલી બાદ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે રામલીલા મેદાનમાં યોજાતા કાર્યક્રમોના સંચાલન માટે નવી માનક સંચાલન પ્રક્રિયાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ નવા નિયમો મુજબ, મેદાનમાં એક સમયે મહત્તમ ૫૦,૦૦૦ લોકોને જ ભેગા થવાની મંજૂરી મળશે, જોકે સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમની પ્રકળતિ મુજબ અંતિમ સંખ્યા અધિકારીઓ નક્કી કરશે. આ ઉપરાંત, કોઈપણ રેલી કે જાહેર સભા માત્ર સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જ યોજી શકાશે, જેથી મોડી સાંજ કે રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે.
નવા પ્રસ્તાવિત નિયમોમાં આયોજકોની જવાબદારીઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે કોઈપણ કાર્યક્રમના આયોજન માટે ઓછામાં ઓછા ૧૦ દિવસ અગાઉ અરજી કરવી ફરજિયાત રહેશે. પોલીસ પરવાનગી મેળવતા પહેલાં આયોજકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેદાન ઉપલબ્ધ હોવાનું પ્રમાણપત્ર મેળવવું પડશે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક અને ર્પાકિંગની વ્યવસ્થા સંભાળવાની જવાબદારી પણ આયોજકોના શિરે રહેશે. રસ્તાઓ, ફૂટપાથ કે ઈમરજન્સી એક્ઝિટ પર કોઈ અવરોધ ન ઊભો થાય તેની ખાતરી કરવાની સાથે પીવાનું પાણી, તબીબી સહાય, શૌચાલય અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ આયોજકોએ જ કરવી પડશે.
સુરક્ષાની દ્રષ્ટિએ આ ડ્રાફ્ટમાં અત્યંત કડક જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. મેદાનમાં હથિયારો, તલવારો, ભાલા કે કોઈપણ પ્રકારની તીક્ષ્ણ અને પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, તેમજ મેદાનની આસપાસ ડ્રોન ઉડાવવા માટે પણ પૂર્વ મંજૂરી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં દિલ્હી પોલીસે જંતર-મંતરને વિરોધ સ્થળોની યાદીમાંથી હટાવીને રામલીલા મેદાન, બુરારી મેદાન અને સીબીડી મેદાનને વૈકલ્પિક સ્થળ તરીકે જાહેર કર્યા હતા. હાલમાં રામલીલા મેદાન માટેનો આ ડ્રાફ્ટ SOP અંતિમ મંજૂરી માટે પોલીસ મુખ્યાલયમાં મોકલવામાં આવ્યો છે, જ્યાંથી લીલી ઝંડી મળતા જ તેનો તાત્કાલિક અમલ શરૂ કરી દેવામાં આવશે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
