<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

હવે 17% અને 25% ટેરિફની ધમકી! ટ્રમ્પ ફરી ભારતને વેપાર સોદા માટે દબાવી રહ્યા છે, પણ ભૂતકાળના કડવા અનુભવો ભૂલી ગયા !

ટ્રમ્પે ફરી એકવાર ભારતીય માલ પર 17% ટેરિફ લાદવાનો અને વેપાર સોદો ન થાય તો 25% સુધી વધારવાની ચીમકી આપી : પરંતુ અગાઉ 26% અને 50% ટેરિફના દબાણ સામે પણ ન ઝૂકેલા ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કોઈપણ દબાણ હેઠળ નહીં પરંતુ સમાન હિતોના આધારે જ વેપાર કરાર થશે

નવી દિલ્હી. ટ્રમ્પ વહીવટીતંત્રે ફરી એકવાર ટેરિફની ધમકી આપીને ભારત પર વેપાર સોદા માટે દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં ભારતીય ઉત્પાદનો પર 17% ટેરિફનો પ્રસ્તાવ મૂકીને સોદો ન થાય તો તેને 25% કરવાની ચેતવણી અપાઈ છે. વોશિંગ્ટને આ વખતે ભારત સહિત 14 દેશો પર વધુ પડતા ઉત્પાદનથી અમેરિકન ઉદ્યોગોને નુકસાન થવાનો તર્ક આપ્યો છે, જોકે જાહેર ચર્ચાને કારણે આ નવા ટેરિફ જાન્યુઆરી પહેલાં લાગુ થવાની શક્યતા ઓછી છે. ભારતનો વલણ સ્પષ્ટ રહ્યો છે કે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ત્યારે જ શક્ય છે જ્યારે બંને પક્ષો માટે જીત-જીતની સ્થિતિ સર્જાય, એકતરફી દબાણ કે શરતો હેઠળ નહીં.

ટ્રમ્પ કદાચ એ ભૂલી રહ્યા છે કે 2025 થી અત્યાર સુધીના ઘટનાક્રમમાં ભારતે દરેક ટેરિફ ધમકીનો મક્કમતાથી સામનો કર્યો છે અને દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે. એપ્રિલ 2025માં જાહેર કરાયેલા 26% ટેરિફના પગલા બાદ 90 દિવસનો મોરેટોરિયમ મૂકવો પડ્યો હતો, જ્યારે ઑગસ્ટ 2025માં રશિયા પાસેથી તેલ અને સંરક્ષણ ખરીદીના મુદ્દે 25% અને પછી વધારાના 25% મળી કુલ 50% ટેરિફ લાદવા છતાં ભારતે 1.4 અબજ નાગરિકોના હિત અને સસ્તા ક્રૂડ ઓઈલની ખરીદી સાથે સમાધાન કર્યું નહોતું. કાપડ, રત્નો અને ફૂટવેર જેવા ક્ષેત્રો પર દબાણ લાવવાની ગણતરી પણ ધાર્યા મુજબ સફળ રહી નહોતી.

આખરે છ મહિનાના ખેંચતાણ બાદ ફેબ્રુઆરી 2026માં અમેરિકાને રશિયા સંબંધિત 25% વધારાનો ટેરિફ હટાવવાની અને મુખ્ય દર 18% કરવાની જાહેરાત કરવી પડી હતી, અને ત્યારબાદ 20 ફેબ્રુઆરી 2026ના રોજ યુએસ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ પણ એકપક્ષીય ટેરિફ સત્તા સામે મોટો આંચકો આપ્યો હતો. અગાઉના આ તમામ અનુભવો દર્શાવે છે કે ટેરિફની ચેતવણીઓથી ભારતની વાટાઘાટોની સ્થિતિ નબળી પડતી નથી, અને આગામી દિવસોમાં પણ નવી દિલ્હી પોતાના રાષ્ટ્રીય અને આર્થિક હિતોને સર્વોપરી રાખીને જ આગળ વધશે.

(10:03 PM IST)