News of Tuesday, 14th April 2026
હવે દિલ્હીથી દહેરાદૂન માત્ર ૨.૫ કલાકમાં પહોંચાશેઃ દેશના સૌથી અદભૂત એક્સપ્રેસવેને પીએમ મોદીની લીલીઝંડી
રૂ.૧૨,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૬-લેન ઇકોનોમિક કોરિડોરનું કર્યુ નિરીક્ષણ

નવી દિલ્હી, તા.૧૪: મુસાફરો માટે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે હવે હકીકત બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ ૨૧૩ કિલોમીટર લાંબા ભવ્ય એક્સપ્રેસવેનું ઉદ્ધાટન કરીને તેને જનતા માટે ખુલ્લો મૂકયો હતો. ઉદ્ધાટન પહેલાં પીએમ મોદીએ પોતે આ હાઇવે પર મુસાફરીનો આનંદ માણ્યો હતો. ખાસ કરીને સહારનપુર પાસે તેમણે એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું, જે પ્રકળતિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અદભૂત સમન્વય સમાન છે. આ પ્રોજેક્ટ માત્ર અંતર જ નથી ઘટાડતો, પરંતુ મુસાફરીના અનુભવને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે.
આ એક્સપ્રેસવે ટેકનોલોજી અને પર્યાવરણ જાળવણીનું ઉત્તમ ઉદાહરણ છે. અક્ષરધામથી શરૂ થતો આ માર્ગ દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનું અંતર ૨૫ કિલોમીટર ઘટાડે છે, જેના કારણે હવે મુસાફરીનો સમય ૬ કલાકથી ઘટીને માત્ર ૨.૫ થી ૩ કલાક થઈ જશે. તેની સૌથી મોટી વિશેષતા ૧૨ કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર છે, જે રાજાજી નેશનલ પાર્કના વન્યજીવોને ખલેલ પહોંચાડ્યા વગર વાહનોને પસાર થવા દે છે. આ ઉપરાંત, દતકાલી મંદિર પાસેની ૩૭૦ મીટર લાંબી ટનલ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આર્થિક દ્રષ્ટિએ આ કોરિડોર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે ‘ગેમ ચેન્જર' સાબિત થશે. રૂ.૧૨,૦૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં ૧૦ ઇન્ટરચેન્જ અને અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે, જે બાગપત, શામલી અને સહારનપુર જેવા શહેરોને સીધી કનેક્ટિવિટી આપશે. આ એક્સપ્રેસવેથી પ્રવાસન ઉદ્યોગને નવું જોમ મળશે અને વેપાર-ધંધામાં પણ તેજી આવશે. હવે ઉત્તરાખંડના પહાડોની સુંદરતા દિલ્હીવાસીઓ માટે માત્ર એક ટૂંકી ડ્રાઈવ જેટલી જ દૂર રહી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
