તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
હવે રસ્તા પરના ખાડાઓ છુપાવી નહીં શકાય! 'અલ્ટ્રાસાઉન્ડ' જેવું અદભૂત મશીન મિનિટોમાં કાઢશે હાઈવેની કુંડળી
NHAI એ રસ્તાઓની સુરક્ષા માટે નેટવર્ક સર્વે વ્હીકલ ટેકનોલોજીનો કર્યો અમલ: 1 મિલીમીટરની તિરાડ પણ આ હાઈ-ટેક વાહનથી બચશે નહીં : 8 સભ્યોનું આખા દિવસનું કામ આ મશીન માત્ર થોડા કલાકોમાં પૂરું કરશે

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી હવે વધુ સુરક્ષિત અને ખાડાભર્યા અનુભવથી મુક્ત બનવા જઈ રહી છે. નેશનલ હાઇવે ઓથોરિટી એ હવે રસ્તાઓની ગુણવત્તા તપાસવા માટે 'નેટવર્ક સર્વે વ્હીકલ' (NSV) નામનું અત્યાધુનિક હથિયાર મેદાને ઉતાર્યું છે. જે રીતે અલ્ટ્રાસાઉન્ડ મશીન માનવ શરીરની અંદરની સમસ્યાઓ શોધી કાઢે છે, તેમ આ NSV મશીન હાઈવે પર દોડતા-દોડતા રસ્તાની સપાટી પર પડેલી તિરાડો, ખાડા અને ઘસારાની ચોક્કસ વિગતો ઓનલાઈન રેકોર્ડ કરશે. રોડ સેફ્ટી નિષ્ણાત અનુરાગ કુલશ્રેષ્ઠાના જણાવ્યા મુજબ, આ ટેકનોલોજી વિશ્વના વિકસિત દેશોમાં સફળ રહ્યા બાદ હવે ભારતના રસ્તાઓની કાયાપલટ કરવા માટે સજ્જ છે.
આ ટેકનોલોજીની કાર્યક્ષમતા સામાન્ય માનવીય ઓડિટ કરતા અનેકગણી વધારે છે. અત્યાર સુધી 8 સભ્યોની ટીમ આખા દિવસમાં માંડ 80 કિલોમીટર રસ્તાનું સર્વેક્ષણ કરી શકતી હતી, જ્યારે NSV વાહન એક જ દિવસમાં 300 કિલોમીટર સુધીના રસ્તાનું સચોટ ઓડિટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ વાહનમાં હાઈ-રિઝોલ્યુશન 360-ડિગ્રી કેમેરા, લેસર પ્રોફાઇલોમીટર અને DGPS સિસ્ટમ લગાડવામાં આવી છે, જે રસ્તાની 1 મિલીમીટર જેટલી નાની તિરાડને પણ પકડી પાડે છે. આ ડેટા સીધો કમાન્ડ સેન્ટરને મોકલવામાં આવે છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે કે કયા રસ્તાને તાત્કાલિક સમારકામની જરૂર છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ સિસ્ટમ લાગુ થવાથી એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી થશે. તમામ ડેટા ડિજિટલ હોવાથી રસ્તાના ખરાબ કામને છુપાવવું હવે અશક્ય બનશે. વર્ષ 2025 ના આંકડા મુજબ ભારતમાં માર્ગ અકસ્માતોમાં 1.8 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ થાય છે. ખરાબ રસ્તાઓને કારણે થતા અકસ્માતો દેશના જીડીપીને પણ 3% જેટલું નુકસાન પહોંચાડે છે. ત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા વધુ અકસ્માત ધરાવતા રાજ્યોમાં આ ટેકનોલોજી જીવનરક્ષક સાબિત થઈ શકે છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
