News of Monday, 29th June 2026
NRIના નાણાં ભારતીય બેંકોની ફંડ કટોકટી દૂર કરશે: એક્સિસ બેંકના CEO અમિતાભ ચૌધરીનો દાવો, દેશમાં અબજો ડોલર ઠલવાવાની આશા
RBIની નવી પોલિસીથી બેંકો વિદેશી થાપણો પર આકર્ષક વળતર આપવા સજ્જ: ફંડનો ઉપયોગ લોન અને ડિપોઝિટ વચ્ચેનો ગેપ ઘટાડવા તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI ટેકનોલોજીના વિકાસ માટે કરાશે

મુંબઈ : ભારતીય બેંકિંગ સેક્ટરમાં ચાલી રહેલી ભંડોળની (Liquidity) તંગીને હળવી કરવા માટે હવે બિન-નિવાસી ભારતીયો (NRI) ના નાણાં મોટો સહારો બનશે. દેશની ત્રીજી સૌથી મોટી ખાનગી બેંક 'એક્સિસ બેંક'ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અમિતાભ ચૌધરીએ જણાવ્યું છે કે, ભારતીય બેંકો મોંઘા ઘરેલું ફંડિંગના સ્થાને ભારતીય ડાયસ્પોરા (વિદેશમાં વસતા ભારતીયો) તરફથી મળનારી નવી વિદેશી ચલણ થાપણોનો (Foreign Currency Deposits) ઉપયોગ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા તાજેતરમાં લેવાયેલા નીતિગત નિર્ણયોને કારણે બેંકો માટે આ મોટો માર્ગ મોકળો થયો છે, જેનાથી વિદેશી મૂડી આકર્ષવામાં અને ભારતીય રૂપિયાને મજબૂત કરવામાં મોટી મદદ મળશે.
$૫૦ બિલિયન વિદેશી ભંડોળ આવવાની આશા, ગલ્ફ દેશોથી સૌથી વધુ પ્રવાહ
આંતરરાષ્ટ્રીય નાણાકીય વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના મતે, કેન્દ્રીય બેંક (RBI) ના આ નિર્ણયથી ભારતીય બેંકોમાં આશરે $૫૦ બિલિયન (અંદાજે ૪ લાખ કરોડ રૂપિયાથી વધુ) નું મોટું વિદેશી ભંડોળ આવી શકે છે. એક્સિસ બેંકના સીઈઓ અમિતાભ ચૌધરીએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું કે, આ વિદેશી થાપણોનો સૌથી મોટો હિસ્સો ગલ્ફ (ખાડી) દેશોમાં રહેતા ભારતીયો તરફથી આવવાની અપેક્ષા છે અને ત્યારબાદ દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી મોટો ફંડ પ્રવાહ આવી શકે છે. બેંકો શરૂઆતમાં આ નાણાંનો ઉપયોગ પોતાના ફંડિંગ ખર્ચને ઘટાડવા માટે કરશે.
માળખાગત સુવિધાઓ અને મોટા પ્રોજેક્ટ્સને મળશે વેગ
એકવાર બેંકો પાસે આ સસ્તું વિદેશી ભંડોળ આવી જાય, ત્યાર પછી દેશની તાત્કાલિક આર્થિક અને નાણાકીય જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રોમાં તેનું ધિરાણ વધારવામાં આવશે. અમિતાભ ચૌધરીના જણાવ્યા મુજબ, આ નાણાંનો સૌથી ઝડપી અને મોટો ઉપયોગ દેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત) પ્રોજેક્ટ્સ, ડેટા-સેન્ટર રોકાણો, કોમર્શિયલ રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ ક્ષેત્રના મોટા મૂડી-ખર્ચ (Capex) ની યોજનાઓમાં કરવામાં આવશે.
હાલના સમયમાં ભારતીય બેંકોમાં લોન લેનારાઓની સંખ્યા (Credit Growth) ૧૮% ના દરે વધી રહી છે, જ્યારે તેની સામે થાપણો (Deposit Growth) માત્ર ૧૨% ના દરે વધી રહી છે. આ વધતા અંતરને કારણે બેંકો પર ડિપોઝિટ મેળવવાનું ભારે દબાણ હતું, જે હવે આ એનઆરઆઈ ફંડના કારણે હળવું થશે.
એક્સિસ બેંકે AI પાછળ બજેટનો ૧૫% હિસ્સો ફાળવ્યો
ટેકનોલોજીના મોરચે વાત કરતા સીઈઓ ચૌધરીએ ખુલાસો કર્યો છે કે, એક્સિસ બેંકે આ વર્ષે પોતાના કુલ ટેકનોલોજી બજેટના આશરે ૧૫ ટકા જેટલી માતબર રકમ માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસ અને તેના અમલીકરણ માટે ફાળવી દીધી છે. બેંકિંગ માર્કેટમાં હરીફો કરતાં આગળ રહેવા અને ગ્રાહકોને ડિજિટલ સુવિધા આપવા માટે બેંકે સ્પેશિયલ 'ચીફ AI ઓફિસર' ની પણ નિમણૂક કરી છે અને આગામી વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધારવામાં આવશે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
