તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
એનએસઈ કો-લોકેશન કૌભાંડ: પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણાને સર્વોચ્ચ અદાલત તરફથી મોટો ઝટકો, ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ચાલતા સીબીઆઈ કેસને રદ કરવાની અરજી રદ્દ
દિલ્હી હાઈકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે 'રાષ્ટ્રીય શેરબજાર જાહેર હિતનું કામ કરતું હોવાથી તેના અધિકારીઓની જવાબદારી લોકસેવક સમાન, 'પબ્લિક સર્વન્ટ' અંગેનો મુદ્દો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા મુક્તિ

નવી દિલ્હી: દેશના સૌથી મોટા શેરબજાર ગણાતા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના બહુચર્ચિત કો-લોકેશન કૌભાંડ અને ભ્રષ્ટાચારના મામલે પૂર્વ એમડી અને સીઈઓ ચિત્રા રામકૃષ્ણાને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) હેઠળના કેસને રદ કરવાની તેમની અરજીને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી ખંડપીઠે દિલ્હી હાઈકોર્ટના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવતા આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. અદાલતે નોંધ્યું હતું કે એનએસઈ દેશની આર્થિક વ્યવસ્થામાં ખૂબ મહત્વપૂર્ણ અને જાહેર હિતની ભૂમિકા ભજવે છે, તેથી તેના વડા તરીકે કારોબાર સંભાળનાર વ્યક્તિ લોકસેવા (પબ્લિક ડ્યુટી) સાથે જોડાયેલી ગણાય.
અરજદાર ચિત્રા રામકૃષ્ણા તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે એનએસઈ એ એક ખાનગી સંસ્થા છે અને તેઓ સરકારી કર્મચારી નથી, તેથી તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લાગુ પડી શકે નહીં. જોકે, સર્વોચ્ચ અદાલતે આ દલીલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સરકારી કે લોકસેવકની વ્યાખ્યામાં આવે છે કે નહીં, તે મુદ્દો વિગતવાર સુનાવણી દરમિયાન ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમિયાન એનએસઈના કો-લોકેશન સર્વરમાં અમુક પસંદગીના સ્ટોક બ્રોકરોને ગેરકાયદેસર અને પ્રાથમિક સુવિધા આપી કરોડો રૂપિયાનો સટ્ટો રમાડવાનો આક્ષેપ છે. આ સિવાય, ચિત્રા રામકૃષ્ણા પર આનંદ સુબ્રમણ્યમ નામના વ્યક્તિની ગેરકાયદેસર અને મનસ્વી રીતે ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરવા તેમજ તેને અધધ પગાર વધારો આપવાનો પણ ગંભીર આરોપ છે. તપાસ દરમિયાન એવો પણ ખુલાસો થયો હતો કે રામકૃષ્ણા હિમાલયના કોઈ અજાણ્યા 'યોગી'ના ઈમેઈલ આદેશો પર એક્સચેન્જના મહત્વના નિર્ણયો લેતા હતા. સીબીઆઈ આ મામલે માર્ચ ૨૦૨૨માં તેમની ધરપકડ કરી ચૂકી છે અને હાલ તેમના સામે કાનૂની કાર્યવાહી ચાલુ છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
