<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

NEET પુનઃપરીક્ષાની NTA દ્વારા સત્તાવાર આન્સર કી જાહેર : વિદ્યાર્થીઓ પોતાના સ્કોરનું ગણિત માંડી શકશે

પરીક્ષાની આન્સર કી ડાઉનલોડ કરવા માટે ઓનલાઈન પોર્ટલ ખૂલ્યું: પ્રશ્ન દીઠ ₹૨૦૦ ચૂકવીને ૨૮ જૂન સુધી વાંધા અરજી દાખલ કરવાની સુવર્ણ તક

નવી દિલ્હી. મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટેની દેશની સૌથી મોટી પરીક્ષા NEET ની પુનઃપરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની ઉત્કંઠાનો આખરે અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વર્ષ ૨૦૨૬ની NEET પુનઃપરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાત બાદ ઉમેદવારો હવે આન્સર કી સાથે પોતાના જવાબોની સરખામણી કરીને અંદાજ લગાવી શકશે કે તેમના કેટલા જવાબો સાચા પડ્યા છે અને મેડિકલ સીટ મેળવવાનું તેમનું સપનું કેટલું નજીક છે. તે સાથે જ એજન્સીએ જો કોઈ પ્રશ્નના જવાબમાં ભૂલ જણાય તો તે અંગે વાંધા ઉઠાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

એનટીએ (NTA) દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતિ અનુસાર, ૨૧ જૂન, ૨૦૨૬ ના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર લેવાયેલી આ પુનઃપરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને આન્સર કી ઓનલાઈન ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ તબક્કો છે કારણ કે આનાથી તેઓ પરિણામ જાહેર થાય તે પહેલાં જ પોતાના સંભવિત ગુણની ગણતરી કરી શકશે. NTA એ જણાવ્યું છે કે સ્કેન કરેલી OMR આન્સર શીટ અને રેકોર્ડેડ રિસ્પોન્સ પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે જેથી પારદર્શિતા જળવાઈ રહે.

જે વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન અથવા તેના સત્તાવાર જવાબ સામે અસંમતિ હોય, તેઓ ૨૫ જૂનથી શરૂ કરીને ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ રાત્રે ૧૧:૫૦ વાગ્યા સુધી ઓનલાઈન પડકાર (Challenge) નોંધાવી શકે છે. નિયમ મુજબ, વાંધા સબમિટ કરવા માટે ઉમેદવારે પ્રશ્ન દીઠ ₹૨૦૦ ની નોન-રિફંડેબલ પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે, જો કે જો વિષય નિષ્ણાતોની સમીક્ષામાં વિદ્યાર્થીનો વાંધો સાચો સાબિત થશે તો આ ફી પરત (Refund) કરવામાં આવશે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે OMR શીટ્સનું મૂલ્યાંકન અને વાંધાઓની ચકાસણી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી વહેલી તકે આખરી પરિણામ જાહેર કરીને નવું શૈક્ષણિક સત્ર સમયસર શરૂ કરી શકાય.

(10:19 PM IST)