News of Friday, 20th November 2026
પેપર લીક રોકવા NTAનું મેગા ઓપરેશનઃ ૬૦૦ જૂના નિષ્ણાંતોની હકાલપટ્ટી અને ૫,૦૦૦ નવા ચહેરાઓની એન્ટ્રી
હવે ચાર-સ્તરીય ચકાસણી અને નિવૃત્ત સૈન્ય અધિકારીઓની બાજ નજર હેઠળ યોજાશે પરીક્ષાઓ : NEET, JEE અને CUET જેવી પરીક્ષાઓની પારદર્શિતા જાળવવા નેશનલ ટેસ્ટિંગ એજન્સીનો ઐતિહાસિક નિર્ણય

નવી દિલ્હી, તા.૨૦: દેશની સૌથી પ્રતિષ્ઠિત પ્રવેશ પરીક્ષાઓ ગણાતી NEET UG, JEE Main, CUET અને UGC NETમાં ભૂતકાળમાં થયેલા પેપર લીક અને ગેરરીતિઓના વિવાદ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં ધરમૂળથી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે NTA એ મોટી કાર્યવાહી કરતા પોતાની પરીક્ષા પેનલમાંથી આશરે ૬૦૦ જૂના વિષય નિષ્ણાતોને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને દેશભરમાંથી ૫,૦૦૦થી વધુ નવા શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, સંશોધકો અને અનુવાદકોનો સમાવેશ કર્યો છે. આ નવા નિષ્ણાતો પ્રશ્નપત્ર તૈયાર કરવા, અનુવાદ કરવા અને પ્રશ્નોના મૂલ્યાંકન જેવી અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત કામગીરી સંભાળશે.
આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે NTA એ અત્યંત કડક માપદંડો અપનાવ્યા છે, જેમાં દરેક અરજદારની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને સંશોધન રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, એજન્સીએ હિતોના સંઘર્ષની કડક ચકાસણી હાથ ધરીને કોઈપણ ખાનગી કોચિંગ સંસ્થા કે ટેસ્ટ-પ્રીપ કંપની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ લોકોને પેનલમાંથી કાયમી ધોરણે બાકાત રાખ્યા છે. એજન્સીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ૫,૦૦૦ નિષ્ણાતો કાયમી કર્મચારી નથી, પરંતુ તેમને ચાર-સ્તરીય સખત સુરક્ષા ચકાસણી બાદ જ આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
માત્ર પ્રશ્નપત્ર તૈયાર કરવા સુધી જ નહીં, પરંતુ પરીક્ષા કેન્દ્રો પર પણ અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવા માટે ફવ્ખ્ એ નિવળત્ત કેન્દ્રીય અને રાજ્ય સરકારી અધિકારીઓ, ભારતીય સેના અને કેન્દ્રીય સશષા પોલીસ દળના ભૂતપૂર્વ સૈનિકો તેમજ સરકારી પ્રોફેસરોને પરીક્ષા નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. આ નિરીક્ષકો પરીક્ષાના એક દિવસ અગાઉ ખાસ બ્રીફિંગમાં ભાગ લેશે અને પરીક્ષાના દિવસે કેન્દ્રની તપાસ, બેઠક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, લાઈવ વેબકાસ્ટિંગ અને પાવર બેકઅપ જેવી તમામ બાબતો પર દેખરેખ રાખી સીધો રિપોર્ટ NTA પોર્ટલ પર અપલોડ કરશે. આ નવી અને કડક વ્યવસ્થાથી આગામી શૈક્ષણિક સત્રની પ્રવેશ પરીક્ષાઓ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે યોજાશે તેવી આશા ઉમેદવારો અને વાલીઓમાં જાગી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
