તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
મિડલ ઈસ્ટમાં પરમાણુ કરારના લીરેલીરા: પાકિસ્તાન અને કુવૈતે અમેરિકા-ઈરાનને હુમલા રોકવા કાલાવાલા કર્યા, 'ઇસ્લામાબાદ MOU' જોખમમાં
હોર્મુઝ સંકટ વચ્ચે ખાડી દેશોમાં આહાકાર: ઈરાને શાંતિ કરાર ફગાવીને યુએસ સામે મહાયુદ્ધની જાહેરાત કરી : કુવૈતના વોટર પ્લાન્ટ પર હુમલા બાદ ઈસ્લામાબાદ અને કુવૈત વચ્ચે ઈમરજન્સી હાઈ-લેવલ મિટિંગ

ઈસ્લામાબાદ: ગલ્ફ અને હોર્મુઝમાં અમેરિકા તથા ઈરાન વચ્ચે ફાટી નીકળેલું ભીષણ સૈન્ય યુદ્ધ હવે તમામ આંતરરાષ્ટ્રીય શાંતિ કરારોને ગળી ગયું છે. મિડલ ઈસ્ટમાં સળગી રહેલી આ યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પાકિસ્તાન અને કુવૈતે સંયુક્ત રીતે બંને શક્તિશાળી દેશોને તાત્કાલિક હુમલા રોકવા અને ગયા મહિને જ થયેલા ઐતિહાસિક "ઈસ્લામાબાદ એમઓયુ" નું પાલન કરવા આજીજી કરી છે. જોકે, ઈરાને અમેરિકા પર વિશ્વાસઘાતનો આક્ષેપ લગાવીને આ શાંતિ કરારને કચરાપેટીમાં ફેંકી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે તે હવે યુદ્ધવિરામની કોઈ શરતો માનવા બંધાયેલું નથી, જેના કારણે પશ્ચિમ એશિયામાં પરમાણુ યુદ્ધનો ખતરો મંડાવા લાગ્યો છે.
આ ભયાનક રાજદ્વારી અને સૈન્ય મડાગાંઠ વચ્ચે શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર અને કુવૈતના વિદેશ મંત્રી શેખ જરાહ જાબેર અલ-અહમદ અલ-સબાહે ફોન પર એક અત્યંત કટોકટીભરી વાતચીત કરી હતી. વાસ્તવમાં, ઈરાની મિસાઈલોએ કુવૈતના મુખ્ય તેલ સંસ્થાનો અને ૯૦ ટકા પીવાનું પાણી પૂરું પાડતા ડિસેલિનેશન પ્લાન્ટને બોમ્બમારો કરીને ધ્વસ્ત કરી દીધા છે, જેના કારણે કુવૈતને પોતાની એરસ્પેસ બંધ કરવાની ફરજ પડી છે. કુવૈતના વિદેશ મંત્રીએ પોતાના દેશ પર થયેલા આ આડકતરા હુમલા અંગે ભયાનક ચિંતા વ્યક્ત કરી તમામ પક્ષોને સંયમ રાખવા કહ્યું છે, જ્યારે પાકિસ્તાને તમામ દેશોની પ્રાદેશિક અખંડિતતા જાળવવા અને તણાવ ઓછો કરવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડીમાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની મધ્યસ્થતા હેઠળ "ઈસ્લામાબાદ એમઓયુ" પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાન ખુદ ગેરંટી આપનાર (ગેરન્ટર) બન્યું હતું. આ કરાર હેઠળ આગામી ૬૦ દિવસમાં બંને દેશો વચ્ચે ટેકનિકલ સ્તરની શાંતિ વાટાઘાટો થવાની હતી, પરંતુ શનિવારે એકબીજાના પાવર પ્લાન્ટ અને સૈન્ય મથકો ઉડાવી દીધા બાદ આખી પ્રક્રિયા પાટા પરથી ઉતરી ગઈ છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન કાઝેમ ઘરીબબાદીએ સત્તાવાર ગર્જના કરતા કહ્યું છે કે, "અમેરિકાએ પોતાના તમામ વચનો તોડીને આ એમઓયુને એક કાગળનો ટુકડો બનાવી દીધો છે, તેથી અમે પણ અમારી તમામ પ્રતિબદ્ધતાઓનો અંત લાવી દીધો છે અને હવે યુદ્ધના મેદાનમાં જ ફેંસલો થશે."
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
