તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
અબુ ધાબીમાં પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો: ઉર્જા સુરક્ષા પર જોખમ
પશ્ચિમ એશિયાના ભૌગોલિક-રાજકીય સમીકરણોમાં અચાનક ગરમાવો વધતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

અબુ ધાબી: યુએઈના અલ-ધફરા વિસ્તારમાં આવેલ અત્યંત સંવેદનશીલ બરાકાહ પરમાણુ પાવર પ્લાન્ટ રવિવારે ડ્રોન હુમલાનો શિકાર બન્યો હતો. પ્લાન્ટની સુરક્ષા દિવાલની ઠીક બહાર આવેલા ઇલેક્ટ્રિકલ જનરેટર પર આ હુમલો કરવામાં આવતા ભયાનક આગ ફાટી નીકળી હતી. પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં આ હુમલાએ નવી આશંકાઓને જન્મ આપ્યો છે, કારણ કે આ વિસ્તારના પરમાણુ મથક પર થયેલો આ પ્રકારનો પ્રથમ મોટો હુમલો છે.
ઘટનાની ગંભીરતાને જોતા અબુ ધાબી મીડિયા ઓફિસે તાત્કાલિક સ્પષ્ટતા કરી હતી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સૌથી મોટી રાહતની વાત એ છે કે રેડિયેશન (કિરણોત્સર્ગ) ના સ્તરમાં કોઈ ફેરફાર નોંધાયો નથી અને પ્લાન્ટની તમામ મુખ્ય સિસ્ટમ્સ સુરક્ષિત છે. ફેડરલ ઓથોરિટી ફોર ન્યુક્લિયર રેગ્યુલેશનએ પુષ્ટિ કરી છે કે પ્લાન્ટના રિએક્ટર્સ સામાન્ય રીતે કાર્ય કરી રહ્યા છે અને સુરક્ષાના તમામ પ્રોટોકોલ અમલી બનાવી દેવામાં આવ્યા છે.
આ હુમલા પાછળ કોનો હાથ છે તે અંગે UAE એ હજુ કોઈ સત્તાવાર નામ આપ્યું નથી, પરંતુ ઈરાન અને હુથી બળવાખોરો તરફ શંકાની સોય જઈ રહી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરી દીધું છે અને UAE પોતાની તેલ નિકાસ માટે નવા વૈકલ્પિક માર્ગો શોધી રહ્યું છે, ત્યારે આ હુમલો આર્થિક અને વ્યૂહાત્મક રીતે અમીરાતને નબળું પાડવાનો પ્રયાસ હોઈ શકે છે. હાલમાં સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે અને આકાશમાં દેખરેખ વધારી દીધી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
