<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મુંબઈના રાણી બાગમાં પેંગ્વિનની સંખ્યા વધીને ૨૫ પહોંચતા કર્ણાટકના મૈસૂર ઝૂમાં શિફ્ટ કરવાની તયારીઓ જોરશોરથી શરૂ: પ્રાણી વિનિમય કરાર હેઠળ મુંબઈકરોને ટૂંક સમયમાં ઝેબ્રા અને જિરાફ જેવા નવા વન્યજીવો જોવા મળવાની શક્યતા

સફળ બ્રીડિંગને કારણે ભાયખલા ઝૂમાં પેંગ્વિનનો વ્યાપ વધતા એન્ક્લોઝરનો વિસ્તાર કરાયો, મૈસૂર પ્રાણીસંગ્રહાલયની ટીમે રૂબરૂ મુલાકાત લઈ તાપમાન નિયંત્રણ અને સારસંભાળની વ્યવસ્થાઓ ચકાસી

મુંબઈ : મુંબઈના ભાયખલા સ્થિત પ્રખ્યાત વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણી બાગ) નું મુખ્ય આકર્ષણ બનેલા હમ્બોલ્ટ પેંગ્વિનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પેંગ્વિનની સંખ્યા વધીને ૨૫ પર પહોંચી જતાં તેમને કર્ણાટકના પ્રસિદ્ધ મૈસૂર પ્રાણીસંગ્રહાલયમાં મોકલવાની વિચારણા અને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

 

મૈસૂર ઝૂના અધિકારીઓ અને રાણી બાગના પ્રશાસન વચ્ચે હાલમાં જ સકારાત્મક બેઠકો યોજાઈ છે, અને જો ઔપચારિક પ્રાણી વિનિમય (એનિમલ એક્સચેન્જ) કરાર પર મહોર લાગશે તો મુંબઈના રાણી બાગમાંથી પહેલીવાર પેંગ્વિન અન્ય કોઈ રાજ્યના ઝૂમાં ટ્રાન્સફર થશે, જેના બદલામાં મુંબઈના વન્યપ્રેમીઓને ઝેબ્રા અને જિરાફ જેવા આકર્ષક પ્રાણીઓ નિહાળવા મળી શકે છે.

 

વર્ષ ૨૦૧૭માં દક્ષિણ આફ્રિકાથી ૮ હમ્બોલ્ટ પેંગ્વિન મુંબઈ લાવવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયા બાદ બાકીના પેંગ્વિન મુંબઈના વાતાવરણમાં પૂરી રીતે અનુકૂલિત થઈ ગયા હતા અને તાજેતરમાં વધુ ચાર બચ્ચાઓ (બે નર અને બે માદા) નો જન્મ થતાં કુલ સંખ્યા ૨૫ સુધી પહોંચી ગઈ છે, જેને કારણે પાલિકા દ્વારા પેંગ્વિન કક્ષનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે.

 

ગણેશોત્સવ દરમિયાન મૈસૂર ઝૂના એન્જિનિયરો અને વરિષ્ઠ અધિકારીઓના પ્રતિનિધિમંડળે ભાયખલા ઝૂની રૂબરૂ મુલાકાત લઈને પેંગ્વિનની સારસંભાળ, તાપમાન નિયંત્રણ વ્યવસ્થા, ખોરાક અને પાણીની ફિલ્ટરેશન સિસ્ટમનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો, અને મૈસૂર તરફથી સત્તાવાર પ્રસ્તાવ આવ્યા બાદ 'સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી' (CZA) ની મંજૂરી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત કઈ જોડીઓને મૈસૂર મોકલવી અને તેના બદલામાં કયા પ્રાણીઓ મુંબઈ લાવવા તેનો અંતિમ નિર્ણય સત્તાવાર કરાર બાદ લેવાશે, પરંતુ આ અગાઉ ગુજરાતથી એશિયાટિક સિંહની જોડી લાવવાના પ્રસ્તાવ પર પણ હસ્તાક્ષર થઈ ચૂક્યા હોવાથી આગામી દિવસોમાં રાણી બાગનું આકર્ષણ વધુ અનેકગણું વધી જશે.

(6:21 PM IST)