<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ઓડિશા પોલીસનું 'ઓપરેશન ક્લીન': પાંચ દિવસમાં ગુનેગારોના સામ્રાજ્યનો સફાયો : ૧,૭૭૧ શખ્સો જેલ ભેગા!

ખાણ માફિયાથી લઈને ડ્રગ્સના સોદાગરોમાં ફફડાટ: ૩૦૦૦ કિલો ગાંજો, ૨૦ પિસ્તોલ અને ૧૭૯ વાહનો જપ્ત : નશામાં ધૂત વાહનચાલકો પાસેથી વસૂલાયો ૧.૮૯ કરોડનો જંગી દંડ

ભુવનેશ્વર : ઓડિશાના ગુનાખોરીના નકશા પર પોલીસે 'ઓપરેશન ક્લીન' દ્વારા એક નવો ઈતિહાસ રચી દીધો છે. ૧૨ મે થી ૧૬ મે સુધી ચાલેલી આ પાંચ દિવસની મેગા ડ્રાઈવે રાજ્યભરના ડ્રગ માફિયા અને રીઢા ગુનેગારોમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) યોગેશ બહાદુર ખુરાનિયાના સીધા માર્ગદર્શન હેઠળ, જિલ્લા એસપી અને કમિશનરોએ મેદાનમાં ઉતરીને ઓપરેશન હાથ ધર્યું હતું. પરિણામ સ્વરૂપ, પોલીસે ૧,૭૭૧ જેટલા ગુનેગારોને પકડીને સળિયા પાછળ ધકેલી દીધા છે, જેમાં ૧૯૦ એવા ફરાર આરોપીઓ પણ સામેલ છે જે લાંબા સમયથી કાયદાની આંખમાં ધૂળ નાખી રહ્યા હતા.

આ ઓપરેશનમાં સૌથી મોટો ફટકો નશીલા પદાર્થોના વેપારને પડ્યો છે. દક્ષિણ-પશ્ચિમ રેન્જની આગેવાનીમાં પોલીસે ૩,૦૨૬ કિલોથી વધુ ગાંજો અને બ્રાઉન સુગરનો જથ્થો પકડી પાડ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની કડીઓ તૂટી હોવાનું મનાય છે. સાથોસાથ, હથિયારોની દાણચોરી કરતા ટોળકીઓ પર ત્રાટકેલી પોલીસે ૨૦ ગેરકાયદેસર બંદૂકો અને જીવતા કારતૂસ સાથે ૧૩ શખ્સોને દબોચી લીધા છે. ખાણ માફિયાઓ સામે પણ કડક હાથે કામ લેતા પોલીસે જેસીબી અને ટ્રકો સહિત ૧૭૯ વાહનો જપ્ત કરીને ગેરકાયદેસર ઉત્ખનન પર રોક લગાવી છે.

માત્ર અપરાધ જ નહીં, પરંતુ રસ્તાઓ પર સલામતી વધારવા માટે પોલીસે નશાખોર ડ્રાઈવરો પર પણ લગામ કસી છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતા ૯૬૬ નશાખોર વાહનચાલકોને પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી કુલ ૧.૮૯ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, હજુ તો આ શરૂઆત છે; રાજ્યમાંથી માફિયા શાસનને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે આગામી દિવસોમાં પણ આવી જ આક્રમક ઝુંબેશ ચાલુ રહેશે. પોલીસની આ અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

(8:12 PM IST)