હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓલા ઇલેક્ટ્રિકની જોરદાર વાપસી: જૂનમાં ૧૬,૦૦૦થી વધુ ઇવી વેચીને બજારમાં મચાવી ધમાલ!
પાછલા ક્વાર્ટરની સરખામણીએ વેચાણ સીધું બમણું થયું : નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રણ મહિનામાં જ ૪૩,૭૧૯ વાહનો રસ્તા પર ઉતારીને હરીફ કંપનીઓને આપી કાંટાની ટક્કર

બેંગલુરુ : ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં ઓલા ઇલેક્ટ્રિકે ફરી એકવાર સિંહફાળો આપતા શાનદાર વાપસી કરી છે. ગયા વર્ષે વેચાણમાં જોવા મળેલા મોટા ઘટાડા બાદ, કંપનીએ તમામ આંચકાઓને પાછળ છોડીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં મોટી સફળતા મેળવી છે. તાજેતરના અહેવાલો મુજબ, જૂન મહિનામાં જ ૧૬,૧૪૪ થી વધુ લોકોએ ઓલા બ્રાન્ડના ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે, જે તાજેતરના મહિનાઓમાં કંપની માટે સૌથી મજબૂત અને રેકોર્ડબ્રેક પ્રદર્શન ગણાવી શકાય.
કંપની દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલથી જૂન) ઓલાએ કુલ ૪૩,૭૧૯ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સનું વેચાણ કર્યું છે. આ આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૬ ના ચોથા ક્વાર્ટરના ૨૨,૨૫૨ યુનિટ્સના વેચાણ કરતા લગભગ બમણો છે. જો મહિનાવાર વૃદ્ધિ પર નજર કરીએ તો, એપ્રિલમાં ૧૨,૩૨૩ યુનિટ અને મે મહિનામાં ૧૫,૧૩૯ યુનિટના વેચાણ સાથે ગ્રાફ સતત ઉપર તરફ જઈ રહ્યો છે, જે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સની વધતી ક્રેઝ દર્શાવે છે.
જો કે, ઓલા માટે આગામી સમય ભારે સ્પર્ધાત્મક રહેવાનો છે, કારણ કે સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ ઝડપથી વિસ્તરી રહ્યું છે. મે મહિનામાં ભારતમાં કુલ ૧.૭ લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચાયા હતા, જેમાં ટીવીએસ (૪૨,૪૫૯ યુનિટ), બજાજ ચેતક (૩૯,૨૦૨ યુનિટ), એથર એનર્જી (૨૮,૨૪૦ યુનિટ) અને હીરો વિડા (૧૯,૦૬૭ યુનિટ) સાથે ઓલા પાંચમા ક્રમે રહી હતી. આ કડક સ્પર્ધા વચ્ચે પણ ઓલા ઇલેક્ટ્રિક પોતાની નવી ટેકનોલોજી અને આક્રમક વ્યૂહરચના સાથે બજારમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન મેળવવા માટે ઝડપથી આગળ વધી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
