તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ઓલા-ઉબેર અને ઝોમેટોના કિલ્લા ધ્વસ્ત: ભારતીય માર્કેટમાં 'રેપિડો' છવાયું
માત્ર બાઇક ટેક્સીથી શરૂઆત કરનારી કંપનીએ બિગ-બોસ ગણાતી જાયન્ટ એપ્સને ધૂળ ચટાડી : માર્ચ-મે ૨૦૨૬ના સેન્સર ટાવરના રિપોર્ટમાં ૮૨ મિલિયન એક્ટિવ યુઝર્સ સાથે દેશની નંબર-૧ કન્ઝ્યુમર એપ બનવાનું બહુમાન મેળવ્યું

બેંગલુરુ: ભારતના ડિજિટલ અને સ્ટાર્ટઅપ લેન્ડસ્કેપમાં એક એવો મોટો ભૂકંપ આવ્યો છે જેની કલ્પના કદાચ માર્કેટના દિગ્ગજોએ પણ નહીં કરી હોય. એક સમયે માત્ર રસ્તાઓ પર સસ્તી બાઇક રાઇડ્સ આપનારી સામાન્ય એપ 'રેપિડો', આજે દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ઇન્ટરનેટ એપ બનીને ઉભરી આવી છે. ડિજિટલ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના તાજા અહેવાલ મુજબ, વર્ષ 2026ના માર્ચથી મે મહિના દરમિયાન રેપિડોએ 82 મિલિયન (૮.૨ કરોડ) માસિક સક્રિય વપરાશકર્તાઓ (MAU)નો આંકડો વટાવીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ અકલ્પનીય ઉછાળો પાછલા વર્ષની સરખામણીએ પૂરા 67% વધુ છે, જે દર્શાવે છે કે ભારતીય યુઝર્સ હવે રેપિડોના પ્રેમમાં ગળાડૂબ છે.
આ સફળતા માત્ર આંકડા પૂરતી મર્યાદિત નથી, પરંતુ રેપિડોએ સ્થાપિત મહારથીઓ ગણાતી કંપનીઓના પાયા હચમચાવી દીધા છે. અત્યાર સુધી કન્ઝ્યુમર માર્કેટ પર રાજ કરતી બ્લિંકિટ (79 મિલિયન), સ્વિગી (67 મિલિયન) અને ઝોમેટો (63 મિલિયન) જેવી ક્વિક-કોમર્સ અને ફૂડ ડિલિવરી એપ્સ હવે રેપિડો કરતાં પાછળ ધકેલાઈ ગઈ છે. એટલું જ નહીં, રાઇડ-હેલિંગ સેક્ટરમાં વર્ષોથી મોનોપોલી ભોગવતી ઉબેર (39 મિલિયન) અને ઓલા (27 મિલિયન) તો રેપિડોના પાવરફુલ યુઝર બેઝ સામે અડધે પણ પહોંચી શકતી નથી. ટ્રાન્ઝેક્શન કરતા ગ્રાહકોની વાત કરીએ તો પણ જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬માં રેપિડો 36 મિલિયન યુઝર્સ સાથે ટોપ પર રહી છે, જે તેના પરના અવિશ્વસનીય જનમાનસને સાબિત કરે છે.
આ આશ્ચર્યજનક વિજય પાછળ રેપિડોની એક માસ્ટરસ્ટ્રોક જેવી વ્યાપારી વ્યુહરચના છુપાયેલી છે, જેણે આખા માર્કેટના સમીકરણો બદલી નાખ્યા. જ્યાં ઉબેર અને ઓલા પોતાના ડ્રાઇવરો પાસેથી દરેક ટ્રીપ પર 20થી 30% જેવું મસમોટું કમિશન કાપી લે છે, ત્યાં રેપિડોએ ક્રાંતિકારી 'ફિક્સ સબ્સ્ક્રિપ્શન મોડેલ' અપનાવ્યું, જેમાં ડ્રાઇવરો માત્ર એક નક્કી કરેલી ફી ભરીને પોતાની આખી કમાણી ઘરે લઈ જઈ શકે છે. આનાથી આકર્ષાઈને લાખો ડ્રાઇવરો રેપિડો સાથે જોડાયા અને પરિણામે માર્ચ ૨૦૨૬માં કંપનીએ રોજની 6.5 મિલિયન (૬૫ લાખ) રાઇડ્સનો રેકોર્ડ બનાવ્યો. ૨૦૧૫માં ટુ-વ્હીલરથી શરૂ થયેલી આ સફર આજે કેબ, ઈ-રિક્ષા, પાર્સલ, ફૂડ ડિલિવરી અને ફાયનાન્સિયલ સર્વિસિસ સુધી વિસ્તરીને અજેય બની ચૂકી છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
