<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

બિહારમાં જૂના મકાનો બનશે કમાણીનું સાધન!: સમ્રાટ ચૌધરી સરકારની 'CM હોમસ્ટે યોજના' ને મંજૂરી, ઘરને હોટેલ જેવું બનાવવા મળશે ₹૧૧ લાખ સુધીની જંગી સબસિડી

પર્યટન અને રોજગારીને વેગ આપવા બિહાર સરકારનો મોટો નિર્ણય: એક ઘરના મહત્તમ ૮ રૂમ કરી શકાશે રજિસ્ટર, મહિલાઓ અને યુવાનોને મળશે વધારાનો આર્થિક લાભ

પટના : જો તમારી પાસે બિહારમાં કોઈ જૂનું કે મોટું ઘર હોય અને તમે તેનાથી કમાણી કરવા ઈચ્છો છો, તો બિહાર સરકાર તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી છે. રાજ્યમાં પર્યટન (Tourism) ઉદ્યોગને વિકસાવવા અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી કરવા માટે બિહાર કેબિનેટે 'મુખ્યમંત્રી હોમસ્ટે પ્રોત્સાહન યોજના' (CM Homestay Promotion Scheme) ને લીલી ઝંડી આપી દીધી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની સરકારની આ યોજના દ્વારા સામાન્ય નાગરિકો પોતાના ઘરના ખાલી રૂમોને પ્રવાસીઓ માટે હોમસ્ટેમાં ફેરવીને દર મહિને તગડી કમાણી કરી શકશે અને તેના રિનોવેશન માટે સરકાર તરફથી લાખો રૂપિયાની સબસિડી પણ મેળવી શકશે.
પ્રતિ રૂમ ₹૨.૫૦ લાખની સહાય, ૮ રૂમ સુધી ઓપ્શન
બિહાર સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ, જે મકાનમાલિકો પોતાના ઘરને પ્રવાસીઓ માટે હોમસ્ટે તરીકે વિકસાવવા માંગે છે, તેમને સરકાર પ્રતિ રૂમ ₹૨.૫૦ લાખ સુધીનું આર્થિક પ્રોત્સાહન (સબસિડી) આપશે. નિયમો અનુસાર, કોઈ પણ મકાનમાલિક પોતાના ઘરના વધુમાં વધુ ૮ રૂમ આ યોજના હેઠળ રજિસ્ટર્ડ કરાવી શકે છે. આ ફેરફારથી પ્રવાસીઓને હોટેલ જેવા આધુનિક રૂમ વ્યાજબી ભાવે મળશે અને સાથે જ બિહારની સ્થાનિક સંસ્કૃતિ તેમજ ભોજનનો અનુભવ પણ માણવા મળશે.
સામાન્ય શ્રેણીને ૧૦ લાખ, મહિલાઓ અને યુવાનોને ₹૧૧ લાખનો લાભ
આ યોજના હેઠળ સરકાર વિવિધ વર્ગોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ આર્થિક પેકેજ આપી રહી છે:
•    સામાન્ય શ્રેણી: સામાન્ય વર્ગના લાભાર્થીઓને ઘરના નવીનીકરણ અને સુવિધાઓ વધારવા માટે કુલ ₹૧૦ લાખ સુધીની સરકારી સહાય મળવાપાત્ર રહેશે.
•    મહિલાઓ અને યુવાનો માટે વિશેષ ઓફર: જો હોમસ્ટેના માલિક કોઈ મહિલા હોય, સ્વ-સહાય જૂથ (SHG) સંબધિત હોય અથવા ૧૮ થી ૨૫ વર્ષની વયના નવયુવાનો હોય, તો તેમને સરકાર તરફથી વધારાના ₹૨૫,૦૦૦ બોનસ તરીકે આપવામાં આવશે, જેથી તેમની કુલ સબસિડીની રકમ ₹૧૧ લાખ સુધી પહોંચી જશે.
પર્યટન સ્થળોની આસપાસના વિસ્તારોને થશે મોટો ફાયદો
બિહારના બોધગયા, રાજગીર, નાલંદા, વૈશાલી અને પટના જેવા પ્રખ્યાત ધાર્મિક અને ઐતિહાસિક પર્યટન સ્થળોએ દર વર્ષે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. આ સ્થળોની આસપાસ રહેતા પરિવારો માટે આ યોજના લોટરી સમાન સાબિત થશે. પ્રવાસીઓને રહેવા માટે હોટેલના બદલે હોમસ્ટેનો સસ્તો વિકલ્પ મળશે, જેનાથી પ્રવાસનનો વ્યાપ વધશે. સરકારે જણાવ્યું છે કે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન પોર્ટલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જ્યાં મકાનમાલિકો પોતાના દસ્તાવેજો સાથે અરજી કરી શકશે.

(6:32 PM IST)