<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

જૂની પેન્શન યોજના પર સરકારની લાલ આંખ: કેન્દ્રીય કર્મચારીઓની 'OPS' વાપસીની આશાઓ પર ફરેલું પાણી!

સંસદમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીનો આખરી ચુકાદો: 8મા પગાર પંચ વચ્ચે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી: NPS અને UPS પર જ રહેશે સરકારનો ભરોસો

નવી દિલ્હી: દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત મહત્વના અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચ ની રચના અને અમલીકરણની ચર્ચાઓ વચ્ચે સંસદમાં જૂની પેન્શન યોજના  ની વાપસીને લઈને ચાલી રહેલી તમામ અટકળો અને સસ્પેન્સનો અંત આવી ગયો છે. કેન્દ્ર સરકારે સંસદના પટલ પર સ્પષ્ટતા કરી દીધી છે કે સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો હાલ કોઈ જ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સરકારના આ આકરા વલણથી લાંબા સમયથી ઓપીએસની માંગ કરી રહેલા કર્મચારી સંગઠનોને મોટો આંચકો લાગ્યો છે.

સંસદમાં પૂછાયેલા એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર જૂની પેન્શન સિસ્ટમ તરફ પાછા ફરવાનો કોઈ વિચાર ધરાવતી નથી. તેમણે ઉમેર્યું કે સરકારે નેશનલ પેન્શન સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવી છે અને તાજેતરમાં યુનિફાઇડ પેન્શન સ્કીમ  જેવા પગલાં દ્વારા નિવૃત્ત કર્મચારીઓને પૂરતી આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. આ જાહેરાત બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે 8મા પગાર પંચની ભલામણોમાં પણ ઓપીએસનો સમાવેશ થવાની કોઈ શક્યતા બચી નથી.

ઉલ્લેખનીય છે કે કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે NPS બજાર પર આધારિત હોવાથી તેમાં અનિશ્ચિતતા રહે છે, જ્યારે OPS હેઠળ નિવૃત્તિ સમયે મળતા છેલ્લા પગારની 50 ટકા રકમ ગેરંટીડ પેન્શન તરીકે મળતી હતી. કેટલીક રાજ્ય સરકારોએ રાજકીય લાભ ખાટવા માટે ઓપીએસ લાગુ કરવાની જાહેરાતો કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે દેશની નાણાકીય સ્થિરતા અને ભવિષ્યના આર્થિક બોજને ધ્યાનમાં રાખીને નવો માર્ગ અપનાવ્યો છે. હાલ પૂરતું, કેન્દ્રીય કર્મચારીઓએ ઓપીએસની આશા છોડીને 8મા પગાર પંચ હેઠળ થનારા પગાર અને ભથ્થાંના વધારા પર જ નજર ટકાવી રાખવી પડશે.

(7:48 PM IST)