News of Tuesday, 27th October 2026
આઈટી ક્ષેત્રે મોટો ધડાકો: માઈક્રોસોફ્ટે ૬૦,૦૦૦ કર્મચારીઓ માટે 'વોલન્ટરી એક્ઝિટ' યોજનાની કરી જાહેરાત
AI ટેકનોલોજીમાં અબજો ડોલરના રોકાણ અને વધતા ખર્ચ વચ્ચે કંપનીએ ખર્ચ ઘટાડવા માટે ભારત સહિત ૪ દેશોના કર્મચારીઓને સ્વૈચ્છિક રાજીનામું આપવાની આપી તક

નવી દિલ્હી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં ગ્લોબલ આઈટી ક્ષેત્રે મોટા ફેરફારો થઈ રહ્યા છે. વૈશ્વિક ટેકનોલોજી દિગ્ગજ કંપની 'માઈક્રોસોફ્ટે' તેના વ્યાપક ખર્ચમાં કાપ મૂકવા અને વર્કફોર્સનું પુનર્ગઠન કરવા માટે એક મોટી યોજના જાહેર કરી છે. કંપનીએ ભારત, અમેરિકા, બ્રિટન અને કેનેડા જેવા ચાર દેશોમાં કાર્યરત લગભગ ૬૦,૦૦૦ કર્મચારીઓ માટે 'વોલન્ટરી એક્ઝિટ ઓફર' (VEO - સ્વૈચ્છિક રાજીનામા યોજના) ની ઘોષણા કરી છે. આ આંકડો માઈક્રોસોફ્ટના વૈશ્વિક કર્મચારી બળના આશરે ૨૭ ટકા જેટલો થાય છે.
માઈક્રોસોફ્ટના ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને કર્મચારીઓને મોકલેલા એક આંતરિક મેમોમાં જણાવ્યા મુજબ, કંપની બદલાતી જરૂરિયાતો અને AI ક્ષેત્રના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને તેની કામગીરીનું પુનર્ગઠન કરી રહી છે. જે કર્મચારીઓ કંપની બહાર પોતાની કારકિર્દી વિકસાવવા માંગે છે, તેમને આ યોજના દ્વારા એક સન્માનજનક અને આર્થિક સહાય સાથે બહાર નીકળવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે.
AI ના વધતા રોકાણે વધાર્યું આર્થિક દબાણ
માઈક્રોસોફ્ટ સહિતની મોટી ટેક કંપનીઓ હાલમાં એઆઈ ડેટા સેન્ટર્સ, પ્રોસેસિંગ ચિપ્સ અને નવા મોડેલ્સ પાછળ અબજો ડોલરનું જંગી રોકાણ કરી રહી છે. આ વધતા ખર્ચ સામે નાણાકીય શિસ્ત જાળવી રાખવા માટે કંપની પોતાના પરંપરાગત વિભાગો અને સંસાધનોમાં ઘટાડો કરી રહી છે. ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં પણ કંપનીએ એક 'વોલન્ટરી રિટાયરમેન્ટ પ્રોગ્રામ' રજૂ કર્યો હતો, જેને ૩૦ ટકાથી વધુ પાત્ર કર્મચારીઓએ સ્વીકાર્યો હતો.
ભારતીય એન્જિનિયરો અને આઈટી પ્રોફેશનલ્સ પર અસર
માઈક્રોસોફ્ટ ભારતમાં હૈદરાબાદ સહિત વિવિધ સેન્ટરો પર આશરે ૨૩,૦૦૦ જેટલા કર્મચારીઓ ધરાવે છે. નવી યોજના ભારત માટે પણ લાગુ પડે છે, પરંતુ ભારતના કેટલા કર્મચારીઓ આ ઓફર મેળવવા માટે પાત્ર છે તેની સ્પષ્ટતા કંપનીએ હજુ સુધી કરી નથી. જેને લઈને ભારતીય આઈટી વતુળો અને કર્મચારીઓમાં ભવિષ્યની સુરક્ષાને લઈને ચર્ચા જાગી છે.
કોણ પાત્ર રહેશે અને કયા વિભાગો પર અસર?
કંપનીના મેમો મુજબ, આ યોજના ઈન્ટરનલ 'લેવલ ૭૦' અને તેથી નીચેના સ્તરના કર્મચારીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં જનરલ મેનેજર્સ અને કેટલાક વાઈસ પ્રેસિડેન્ટ સ્તરના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. વિશેષરૂપે AI એક્સપિરિયન્સ, કોપાયલટ (Copilot), ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ (HR), એક્સબોક્સ (Xbox) તેમજ વિન્ડોઝ + ડિવાઇસ જેવા વિભાગોના કર્મચારીઓ આ યોજના હેઠળ અરજી કરી શકશે.
તજજ્ઞોના મતે, આઈટી ક્ષેત્રમાં AIના આગમન બાદ આવી યોજનાઓ આગામી દિવસોમાં અન્ય ટેક કંપનીઓમાં પણ જોવા મળી શકે છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
