હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓમર અબ્દુલ્લા સરકાર પર રાજકીય સંકટના વાદળોઃ નેશનલ કોન્ફરન્સના ૨૪ ધારાસભ્યોનો બળવો
શ્રીનગરમાં ગુપ્ત બેઠક બાદ અસંતુષ્ટ ધારાસભ્યોએ મોરચો ખોલ્યો

શ્રીનગર, તા.૩૧: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દ્વારા કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તાર બાદ નેશનલ કોન્ફરન્સની અંદર તીવ્ર અસંતોષ અને બળવાખોરીનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. શુક્રવારે સાંજે શ્રીનગરમાં વિધાયક કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને અસંતુષ્ટ ધારાસભ્યોની એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ હાઈ-ડ્રામા બેઠકમાં ૧૮ ધારાસભ્યો પ્રત્યક્ષ રીતે હાજર રહ્યા હતા, જ્યારે અન્ય ૬ ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. કાશ્મીર ઘાટી અને જમ્મુ બંને વિસ્તારોમાંથી મળીને કુલ ૨૪ ધારાસભ્યો એકમંચ પર આવી જતાં ઓમર અબ્દુલ્લા સરકારના પગ તળેથી જમીન સરકી ગઈ છે.
આ ગુપ્ત બેઠક દરમિયાન કેટલાંક સિનિયર ધારાસભ્યો ભારે ભાવુક થઈ ગયા હતા અને પક્ષના નેતળત્વ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર દ્વારા તેમની સાથે કરવામાં આવેલા કથિત અન્યાયી વર્તનની કેફિયત રજૂ કરી હતી. ધારાસભ્યોએ સ્પષ્ટ આક્રોશ વ્યક્ત કરતા એક પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે અને પોતાની આકરા શબ્દોમાં તૈયાર કરેલી માંગણીઓ મુખ્યમંત્રી સમક્ષ મૂકવાનો આખરી નિર્ણય લીધો છે. અસંતુષ્ટ નેતાઓએ સૂર ઉચ્ચાર્યો છે કે તેઓ પક્ષના વિરોધમાં નથી, પરંતુ હવે પછી બધું પહેલાની જેમ સામાન્ય રીતે ચાલી શકશે નહીં અને તેમણે પોતાના સન્માન સાથે કોઈ સમજૂતી ન કરવાનો હૂંકાર ભર્યો છે.
૯૦ સભ્યો ધરાવતી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ પાસે ૪૧ ધારાસભ્યો છે અને તેમને કોંગ્રેસના ૬ ધારાસભ્યો તથા કેટલાક અપક્ષોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ જો આ ૨૪ બળવાખોર ધારાસભ્યોનો આક્રોશ શાંત કરવામાં પક્ષ નિષ્ફળ રહેશે, તો ઓમર અબ્દુલ્લા સરકાર અલ્પમતમાં આવી જશે અને વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પૂરતી શકયતાઓ ઉભી થઈ છે. આ સિવાય, શ્રીનગરના નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા રુહુલ્લાએ પણ સંસદીય સીટ અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દેતાં સંકટ બેવડાઈ ગયું છે. મુખ્યમંત્રી સાથેના લાંબા સમયના મતભેદો બાદ તેમના આ નિર્ણયથી નેશનલ કોન્ફરન્સ અસ્તિત્વના સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
