તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
સુરક્ષા છોડી ઓટોમાં જંતર મંતર પહોંચ્યા ઓમર અબ્દુલ્લા: રાજ્યનો દરજ્જો મેળવવા દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા!
જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન : પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ છોડાતાં મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર પર લોકશાહીનું ગળું દબાવવાનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી : દિલ્હીમાં આજે કાળા વાદળો અને હળવા વરસાદ વચ્ચે રાજકીય વાતાવરણ અત્યંત ગરમ રહ્યું. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પોતાના રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાની માંગ સાથે પોતાની તમામ વિઆઈપી સુરક્ષા છોડીને સામાન્ય ઓટોરિક્ષામાં બેસીને જંતર મંતર પહોંચ્યા હતા. ચોમાસા સત્ર દરમિયાન પોતાની માંગણીઓ બુલંદ કરવા દિલ્હી પહોંચેલા ઓમર અબ્દુલ્લા અને તેમના સમર્થકોને પોલીસે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. માર્ગમાં રોકવામાં આવતાં મુખ્યમંત્રી રસ્તા પર જ બેરીકેડ્સ પાસે ધરણા પર બેસી ગયા હતા.
પોલીસ કાર્યવાહી અને દળપ્રયોગથી નારાજ ઓમર અબ્દુલ્લાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, "અમે દેશની રાજધાનીમાં અમારા બંધારણીય અધિકારો માંગવા આવ્યા છીએ, પરંતુ કમનસીબે અહીં શાંતિપૂર્ણ આંદોલન કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી." તેમણે કેન્દ્ર સરકારને યાદ અપાવ્યું હતું કે સંસદ અને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીઓ બાદ જમ્મુ-કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. જો સરકાર પોતાનું વચન પૂરૂં કરવા ન માગતી હોય તો તેણે ખુલ્લેઆમ જાહેરાત કરી દેવી જોઈએ. જંતર મંતર પર મંજૂરી ન મળતાં નેતાઓ કોન્સ્ટિટ્યુશન ક્લબ તરફ આગળ વધ્યા હતા પરંતુ ત્યાં પણ પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.
૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની સરકાર બન્યા બાદ હવે ઓમર અબ્દુલ્લા અને પીડીપી સહિતના તમામ સ્થાનિક પક્ષો રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે આરપારની લડાઈના મૂડમાં છે. ફારુક અબ્દુલ્લાના નેતૃત્વમાં દિલ્હી પહોંચેલા પ્રતિનિધિ મંડળે સ્પષ્ટ કર્યું છે કે 'યોગ્ય સમય'ના નામે જમ્મુ-કાશ્મીરના લોકોની અપેક્ષાઓ સાથે હવે વધુ અન્યાય સહન કરવામાં નહીં આવે. રાજધાનીમાં ઘટેલી આ ઘટના બાદ કેન્દ્ર અને કાશ્મીર સરકાર વચ્ચેનો મુકાબલો વધુ તીવ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
