તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
રાષ્ટ્રીય એકતા દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગર ખાતે ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી
વડાપ્રધાનએ ઉદ્યાનના ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, પરંપરાગત ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂરની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ નિહાળી: બોન્સાઈ તાલીમ કાર્યશાળાની મુલાકાત લઈને સ્થાનિક મહિલા કારીગરો દ્વારા થતી વામન વૃક્ષ ઉછેરની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી સંવાદ સાધ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા નગર ખાતે એકતા નર્સરી નજીક નિર્માણ પામેલી અનોખી “વામન વૃક્ષ વાટિકા”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાનની સાથે ગુજરાતના મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.
આ ઉદ્યાનમાં પરંપરાગત ટેકનિક્સ દ્વારા ઉછેરવામાં આવેલા કુલ ૬૫ જાતિના ૧,૧૪૭ મિનીએચર વૃક્ષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રીએ ઈ-કાર્ટ મારફતે વાટિકાનું પરિભ્રમણ કરીને સમત્વ વાટિકા, ઝેન ગાર્ડન અને વિવિધ બોન્સાઈ વૃક્ષો નિહાળ્યા હતા.
મુલાકાત દરમિયાન વડાપ્રધાન એ ઉદ્યાનના ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ભારતથી વૈશ્વિક બોન્સાઈ સુધીની યાત્રા, પરંપરાગત ટેકનિક્સ અને વર્ચ્યુઅલ ટૂરની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ નિહાળી હતી. ત્યારબાદ વડાપ્રધાન એ બોન્સાઈ તાલીમ કાર્યશાળાની મુલાકાત લઈને સ્થાનિક મહિલા કારીગરો દ્વારા થતી વામન વૃક્ષ ઉછેરની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે સંવાદ કર્યો હતો.
આ સાથે પ્રવાસીઓ માટે તૈયાર કરાયેલ પ્રકૃતિ, કલા અને આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવવા માટે અહીં ઝરણા, ફાઉન્ટેન, તળાવ, વ્યૂઇંગ ડેક, ગઝેબો, સ્મૃતિચિહ્ન દુકાન અને બાળકો માટે રમવાની જગ્યા જેવી સુવિધાઓની પણ મુલાકાત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગત વર્ષે એકતા દિવસના ઉપક્રમે વડાપ્રધાનના હસ્તે રૂ. ૧૮.૬૮ કરોડના ખર્ચે ૧૩,૮૮૫ ચો.મી. વિસ્તારમાં વિકસિત આ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભારતની પ્રાચીન વામન વૃક્ષ કળા અને ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત છે. ઈ.સ. પૂર્વે ૨૦૦૦થી ભારતમાં વિકસેલી આ મિનીએચર વૃક્ષકળાનો ઉલ્લેખ ‘વિષ્ણુ પુરાણ’ અને ‘વૃક્ષાયુર્વેદ’માં જોવા મળે છે, જેને કાળક્રમે ચીનમાં “Pun Tsai” અને જાપાનમાં “Bonsai” તરીકે ઓળખ અપાઈ હતી
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
