તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
દિવાળીના અવસરે મૂહૂર્ત ટ્રેડિંગની તારીખ જાહેર થઈ ગઈ
દિવાળીનું વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર રવિવાર, ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે

નવી દિલ્હી તા.૨૦: ભારતીય શેરબજારમાં દિવાળીના અવસરે યોજાતા પરંપરાગત મુહૂર્ત ટ્રેડિંગની તારીખ જાહેર કરવામાં આવી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજવાની જાહેરાત કરી છે. દિવાળીના અવસરે યોજાતું વિશેષ ટ્રેડિગ સત્ર છે. ભારતીય શેરબજારમાં તેને શુભ માનવામાં આવે છે અને રોકાણકારો નવા સંવતની શરૂઆત સાથે આ સત્રમાં શેરનું ખરીદ-વેચાણ કરે છે. ચાલો, આ અંગેના મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને સમયપત્રકને ૮ સવાલ-જવાબમાં સમજીએ.
(૧). મુહૂર્ત ટ્રેડિંગ ક્યારે થશે?: NSEના સર્ક્યુલર અનુસાર, દિવાળીનું વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્ર રવિવાર, ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાશે. આ સત્ર બપોરના સમયે રાખવામાં આવ્યું છે.
(૨). શેરબજારનું મુખ્ય ટ્રેડિંગ સત્ર કેટલા વાગ્યે શરૂ થશે?: સામાન્ય બજારમાં સતત શેરની ખરીદી-વેચાણ એટલે કે કન્ટિન્યુઅસ ટ્રેડિગ સત્ર બપોરે ૨:૨૦ વાગ્યે શરૂ થશે. જે શેરમાં ક્લોઝિગ ઓક્શન સત્ર લાગુ પડતું નથી, તેમના માટે સામાન્ય બજારનું ટ્રેડિંગ બપોરે ૩:૩૦ વાગ્યે બંધ થશે.
(૩). પ્રી-ઓપન સત્રનો સમય શું રહેશે?: પ્રી-ઓપન સત્રમાં ઓર્ડર દાખલ કરવાનો સમય બપોરે ૨:૦૫થી ૨:૧૦ વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ૨:૧૦થી ૨:૧૫ વાગ્યા સુધી કેટલાક ઓર્ડરમાં ફેરફાર કરી શકાશે અથવા તેને રદ કરી શકાશે. આ સમયગાળાની છેલ્લી બે મિનિટ દરમિયાન સિસ્ટમ રેન્ડમ રીતે ઓર્ડર દાખલ કરવાની પ્રક્રિયા બંધ કરી શકે છે. ત્યારબાદ બપોરે ૨:૧૫થી ૨:૧૭ વાગ્યા સુધી ઓર્ડરનું મેચિગ થશે અને ટ્રેડની પુષ્ટિ કરવામાં આવશે. બપોરે ૨:૧૭થી ૨:૨૦ વાગ્યા સુધી બફર પિરિયડ રહેશે.
(૪). બ્લોક ડીલનો સમય શું રહેશે?: બ્લોક ડીલ સત્ર બપોરે ૧:૫૦થી ૨:૦૫ વાગ્યા સુધી યોજાશે. બ્લોક ડીલમાં મોટા રોકાણકારો મોટી સંખ્યામાં શેરની ખરીદી-વેચાણ કરે છે.
(૫). જે શેરમાં ક્લોઝિગ ઑક્શન થશે, તેમાં ટ્રેડિંગ કેવી રીતે ચાલશે?: આ શેરનું સામાન્ય બજાર બપોરે ૩:૧૫ વાગ્યે બંધ થશે. ત્યારબાદ ૩:૧૫થી ૩:૨૦ વાગ્યા સુધી રેફરન્સ પ્રાઇસની ગણતરી અને ક્લોઝિગ ઓક્શન સત્રમાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ક્લોઝિગ ઓક્શન દરમિયાન ઓર્ડર દાખલ કરવાનો સમય બપોરે ૩:૨૦થી ૩:૩૦ વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ ૩:૩૦થી ૩:૩૫ વાગ્યા સુધી ઓર્ડરનું મેચિગ થશે અને ટ્રેડની પુષ્ટિ કરવામાં આવશે. આ પછી ૩:૩૫થી ૩:૫૦ વાગ્યા સુધી ટ્રાન્ઝિશન પિરિયડ અને ૩:૫૦થી સાંજે ૪ વાગ્યા સુધી પોસ્ટ-ક્લોઝ સત્ર રહેશે.
(૬). IPO અને ફરીથી લિસ્ટ થયેલા શેર માટે શું સમય રહેશે? IPO અને ફરીથી લિસ્ટ થયેલા શેર માટે વિશેષ પ્રી-ઓપન સત્ર બપોરે ૨:૦૫થી ૨:૫૦ વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ આ શેરમાં સામાન્ય બજારનું ટ્રેડિગ બપોરે ૩:૦૫થી ૩:૩૦ વાગ્યા સુધી ચાલશે. વિશેષ પ્રી-ઓપન સત્રની છેલ્લી ૧૦ મિનિટ દરમિયાન સિસ્ટમ રેન્ડમ રીતે ઓર્ડર દાખલ કરવાની પ્રક્રિયા બંધ કરી શકે છે.
(૭). ઓછા ટ્રેડિંગવાળા શેર અને ઓર્ડરમાં ફેરફાર કરવાની સમયમર્યાદા શું છે?: ઓછી ખરીદી-વેચાણ ધરાવતા એટલે કે ઇલિક્વિડ શેર માટે કોલ ઓક્શન સત્ર બપોરે ૨:૨૫થી ૩:૧૦ વાગ્યા સુધી યોજાશે. આ સત્રની છેલ્લી એક મિનિટ દરમિયાન સિસ્ટમ રેન્ડમ રીતે સત્ર બંધ કરી શકે છે. ટ્રેડમાં ફેરફાર કરવાની સમયમર્યાદા બપોરે ૨:૨૦થી સાંજે ૪:૧૫ વાગ્યા સુધી રહેશે.
(૮). શું મુહૂર્ત ટ્રેડિંગમાં થયેલા સોદાનું સેટલમેન્ટ થશે?: હા. NSEના સર્ક્યુલર અનુસાર, આ સત્રમાં થયેલા તમામ ટ્રેડનું સેટલમેન્ટ કરવું ફરજિયાત રહેશે. સરળ ભાષામાં કહીએ તો, શેર ખરીદ્યા કે વેચ્યા પછી નાણાંની ચુકવણી અને શેરનું ટ્રાન્સફર નિર્ધારિત પ્રક્રિયા અનુસાર પૂર્ણ કરવું પડશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
