<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

બીજી તરફ પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ મકર દ્વાર પર પ્રદર્શન કર્યું

રાજીનામા બાદ પ્રથમ વખત સંસદમાં ધર્મેન્‍દ્ર પ્રધાનઃ NDA ના સાંસદોએ નારેબાજી સાથે સ્‍વાગત કર્યું

નવી દિલ્‍હી તા.૨૭: વિદ્યાર્થી આંદોલન બાદ કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્‍યા બાદ સોમવારે ધર્મેન્‍દ્ર પ્રધાન  પ્રથમ વખત જાહેર મંચ પર સંસદ ભવન  ખાતે જોવા મળ્‍યા હતા. તેઓ સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે જ્‍યારે સંસદના મકર દ્વાર પર પહોંચ્‍યા, ત્‍યારે ત્‍યાં ઉપસ્‍થિત સત્તાધારી એનડીએ  ના સાંસદોએ તેમનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું. સંસદ ભવન ખાતે ધર્મેન્‍દ્ર પ્રધાનના સમર્થનમાં ભાજપ અને એનડીએના સાંસદોએ જોરદાર નારેબાજી કરી હતી અને ધર્મેન્‍દ્ર પ્રધાન ઝિંદાબાદના નારા લગાવ્‍યા હતા. બીજી તરફ, મકર દ્વાર પાસે જ વિપક્ષી સાંસદો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી નેતાઓ જંતર-મંતર પર સસ્‍પેન્‍ડેડ વિદ્યાર્થી આંદોલન અને ૨૦ જુલાઈની ઘટના મામલે કેન્‍દ્રીય ગૃહ મંત્રી ની જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા હતા.

આજના દિવસે લોકસભા માં પેપર લીક વિરોધી કાયદામાં સુધારા અંકિત કરતું બિલ રજૂ થવાની શક્‍યતા હતી. જોકે, સંસદના બંને ગૃહની કાર્યવાહી સવારે ૧૧ વાગ્‍યે શરૂ થતાં જ વિપક્ષી સાંસદોના ભારે હંગામાને કારણે મોકૂફ રાખવી પડી હતી. આંદોલન સમેટી લેવા અંગે સરકાર અને વિદ્યાર્થી સંગઠનો વચ્‍ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો યોજાઈ હતી, જે બાદ આંદોલન સમેટી લેવાયું હતું. ઉલ્‍લેખનીય છે કે, ધર્મેન્‍દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર પોતાના રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્‍યું હતું કે, દેશ વિરોધી તાકાતો વિદ્યાર્થીઓના આંદોલનનો ગેરફાયદો ન ઉઠાવે અને વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાય તે માટે તેમણે રાજીનામું આપ્‍યું છે. બીજી તરફ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી પક્ષોએ તેમના રાજીનામાને વિદ્યાર્થીઓની જીત ગણાવી હતી, જ્‍યારે વરિષ્ઠ ભાજપ નેતા મુરલી મનોહર જોષી એ પણ આંદોલનના શાંતિપૂર્ણ અંતને આવકાર્યો હતો.

(3:35 PM IST)