હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સીબીએસઈ ધોરણ ૧૨ ના પરિણામોમાં ઓન-સ્ક્રીન માર્કિંગ પદ્ધતિથી વિદ્યાર્થીઓના ગુણ પ્રભાવિત થયા હોવાની આશંકાઓને શિક્ષણ મંત્રાલયે ફગાવી દીધી
ઓન-સ્ક્રીન મૂલ્યાંકન સંપૂર્ણ પારદર્શક અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું હોવાની સ્પષ્ટતા સાથે બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં રીવેલ્યુએશન અને આન્સર શીટ વેરિફિકેશન ચાર્જ ઘટાડીને માત્ર ૧૦૦ રૂપિયા કર્યો

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ધોરણ ૧૨ ના બોર્ડના પરિણામો બાદ સોશિયલ મીડિયા અને શૈક્ષણિક વર્તુળોમાં ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મહત્વની સ્પષ્ટતા કરી છે. બોર્ડ પરીક્ષાના પેપર તપાસવા માટે ઉપયોગમાં લેવાયેલી નવી ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) મૂલ્યાંકન પદ્ધતિના કારણે વિદ્યાર્થીઓના ગુણ પર નકારાત્મક અસર પડી હોવાની આશંકાઓને શિક્ષણ મંત્રાલયે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઓન-સ્ક્રીન માર્કિંગ એ વૈશ્વિક સ્તરે સ્વીકારાયેલું ધોરણ છે, જે મૂલ્યાંકન પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા માટે સક્ષમ છે અને તેનાથી કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય થયો નથી.
આ વિવાદ અંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ સચિવ સંજય કુમારે સમગ્ર પ્રક્રિયાની વિગતો આપતા જણાવ્યું હતું કે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની અંદાજે ૯૮ લાખ ઉત્તરવહીઓને સ્કેન કરવામાં આવી હતી અને આ સમગ્ર સ્કેનિંગ પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના ત્રણ ઉચ્ચ સ્તરોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. વહીવટી તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે વારંવાર સ્કેન કરવા છતાં કેટલીક ઉત્તરવહીઓમાં અક્ષરો બરાબર વાંચી શકાતા નહોતા, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓએ પેપર લખવા માટે ખૂબ જ આછી શાહી (લાઈટ કલર ઇંક) નો ઉપયોગ કર્યો હતો. આવી આછી શાહીવાળી સ્ક્રિપ્ટો કોમ્પ્યુટર સ્ક્રીન પર ડિજિટલ સ્કેનિંગ પછી પણ સંપૂર્ણ રીતે વાંચવા યોગ્ય બની શકી નહોતી.
શિક્ષણ સચિવ સંજય કુમારે વધુમાં ઉમેર્યું હતું કે જે ઉત્તરવહીઓમાં ડિજિટલ લેજિબિલિટી એટલે કે વાંચવાની સમસ્યા ઊભી થઈ હતી, તેવા કિસ્સાઓમાં બોર્ડ દ્વારા પરીક્ષકોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આવા તમામ પેપરોને ઓન-સ્ક્રીન તપાસવાને બદલે અલગ તારવીને મેન્યુઅલી એટલે કે રૂબરૂ કાગળ પર તપાસીને ગુણ આપવાનો આદેશ કરાયો હતો. બોર્ડ દ્વારા આવી ૧૩,૦૦૦ થી વધુ ઉત્તરવહીઓની અલગથી ઓળખ કરવામાં આવી હતી અને અનુભવી શિક્ષકો દ્વારા તેનું મેન્યુઅલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ રીતે રૂબરૂ તપાસ પૂરી થયા પછી જ મેળવેલા અસલ ગુણોને કાળજીપૂર્વક બોર્ડની મુખ્ય કોમ્પ્યુટર સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેથી કોઈ ભૂલને અવકાશ ન રહે.
પરિણામોથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા શિક્ષણ મંત્રાલયે રીવેલ્યુએશન અને વેરિફિકેશન ફીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સીબીએસઈ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી જોવા માંગતો હોય તો તેણે અગાઉ વસૂલાતી ૭૦૦ રૂપિયાની ફીના બદલે હવે માત્ર ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તે જ પ્રમાણે જો વિદ્યાર્થી આન્સર શીટનું વેરિફિકેશન કે વેલિડેશન કરાવવા માંગતો હોય, તો તેના માટે પણ ફી ૫૦૦ રૂપિયાથી ઘટાડીને માત્ર ૧૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી કોઈ ચોક્કસ પ્રશ્નનું ફરીથી ચેકિંગ કરાવવા માંગતો હોય, તો પ્રશ્ન દીઠ માત્ર ૨૫ રૂપિયા ફી રાખવામાં આવી છે. મંત્રાલયે એવી પણ જાહેરાત કરી છે કે જો રી-ઇવેલ્યુએશન દરમિયાન વિદ્યાર્થીના ગુણમાં કોઈ વધારો થશે, તો તેણે ચૂકવેલી ફીની રકમ વિદ્યાર્થીને પરત (રીફંડ) કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીએસઈ ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષામાં આ વર્ષે કુલ ૧૭,૬૮,૯૬૮ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિણામોમાં ૯૪,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે ૧૭,૦૦૦ થી વધુ ઉમેદવારોએ ૯૫ ટકાથી વધુ ગુણ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સમગ્ર દેશના વિવિધ પ્રદેશોની સરખામણી કરીએ તો ૯૫.૬૨ ટકાના રેકોર્ડબ્રેક પાસિંગ રેટ સાથે ત્રિવેન્દ્રમ પ્રદેશ દેશભરમાં મોખરે રહ્યો છે, જ્યારે ચેન્નાઈ અને બેંગલુરુ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ પ્રદેશ ૭૨.૪૩ ટકાના સૌથી નીચા પરિણામ સાથે ચાર્ટમાં છેલ્લો રહ્યો છે. આ વર્ષે દેશનું એકંદર પરિણામ ૮૫.૨૦ ટકા નોંધાયું છે, જે ગત વર્ષના ૮.૩૯ ટકાની સરખામણીએ ૩.૧૯ ટકાનો સામાન્ય ઘટાડો દર્શાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
