<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

મોલની અંદર હોડી ફેરવનારો જ નીકળ્યો 'મહાઠગ': ગ્રાન્ડ વેનિસ મોલના માલિક સતીન્દર ભસીનની ED દ્વારા ધરપકડ : ખરીદદારોના કરોડો રૂપિયા ડૂબાડ્યા

વૈભવી ઇટાલિયન સ્થાપત્ય અને ગોંડોલા રાઇડના નામે સેંકડો રોકાણકારો સાથે આચરી છેતરપિંડી : સુપ્રીમ કોર્ટના આદેશોની ઐસીતૈસી કરનાર બિલ્ડર મોન્ટુ ભસીનને પીએમએલએ કોર્ટે ૬ જૂન સુધી ઈડીની કસ્ટડીમાં ધકેલ્યો

નવી દિલ્હી : ગ્રેટર નોઈડાના અતિ વૈભવી અને પ્રખ્યાત "ધ ગ્રાન્ડ વેનિસ મોલ" ના માલિક સતીન્દર સિંહ ભસીન ઉર્ફે મોન્ટુ ભસીનની કાળી કરતૂતોનો આખરે પર્દાફાશ થયો છે. ઈટાલિયન સ્થાપત્ય શૈલી અને મોલની અંદર જ પાણીની નહેરો બનાવી ગોંડોલા બોટ રાઈડની સુવિધા આપવા બદલ આ મોલ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ આ ભવ્યતાની આડમાં સેંકડો નિર્દોષ રોકાણકારોની કાળી કમાણી હડપ કરનાર બિલ્ડર સતીન્દર ભસીનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની લખનૌ ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દેશની સર્વોચ્ચ અદાલતના કડક વલણ બાદ કરાયેલી આ હાઇ-પ્રોફાઇલ ધરપકડથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભસીન ઇન્ફોટેક એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર એવા સતીન્દર ભસીન પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં દુકાનો અને પ્રોપર્ટી આપવાના બહાને ખરીદદારો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાનો ગંભીર આરોપ છે. ઈડીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ભસીને પ્રોજેક્ટ પૂરો કરવાના બદલે રોકાણકારોના નાણાં પોતાની અન્ય શેલ કંપનીઓમાં ડાયવર્ટ કર્યા હતા અને આ ભંડોળનો મોટો હિસ્સો વિદેશમાં પણ ટ્રાન્સફર કરી દીધો હતો. ધરપકડ બાદ આરોપીને ગાઝિયાબાદની વિશેષ પીએમએલએ (PMLA) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને ૬ જૂન, ૨૦૨૬ સુધી ઈડીની રિમાન્ડ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે સતીન્દર ભસીનને આ શરતે જામીન આપ્યા હતા કે તે છેતરાયેલા રોકાણકારોના નાણાં ચૂકવીને મામલો થાળે પાડશે. જો કે, જેલની બહાર આવતા જ તેણે કોર્ટની શરતોનું ઉલ્લંઘન કર્યું અને ઈડીના વારંવારના સમન્સ છતાં તપાસમાં અસહકાર દાખવ્યો હતો. આ આનાકાનીથી નારાજ થઈને સર્વોચ્ચ અદાલતે તેના જામીન રદ કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો, જેના પગલે કાનૂની સકંજો કસાતા જ ભસીન જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. લાખો પ્રવાસીઓને આકર્ષતા મિની વેનિસ મોલ પાછળ ચાલી રહેલી આ કરોડોની છેતરપિંડીની વાર્તાએ હવે હજારો પીડિત ખરીદદારોમાં ન્યાયની આશા જગાવી છે.

(10:00 PM IST)