<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ડુંગળીથી લઈને ખાંડ પર મોંઘવારીનો પ્રહારઃ ૧૩ ખાદ્ય ચીજો મોંઘી તો માત્ર ૨ના ભાવ ઘટ્‍યા

દેશમાં ખાદ્ય મોંઘવારીએ રસોડાનું બજેટ ખોરવ્‍યું: છેલ્‍લા એક વર્ષમાં ૧૩ જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ : ડુંગળીના ભાવમાં ૯૮.૦૭% અને ખાંડમાં ૩૧.૦૩%નો ઉછાળો આવ્‍યોઃ ચોખા, ઘઉં, દાળ અને તમામ ખાદ્ય તેલના ભાવ પણ વધ્‍યાઃ જોકે, બટાકા અને ટમેટાં સસ્‍તા થતાં આંશિક રાહત

નવી દિલ્‍હી તા.૨૬: દેશમાં વધી રહેલી મોંઘવારીની સીધી અસર હવે સામાન્‍ય માણસના રસોડા પર જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ છેલ્‍લા એક વર્ષમાં કુલ ૧૩ જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ છે, જ્‍યારે માત્ર ૨ ચીજોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને ખાંડ ૩૧% જેટલી મોંઘી થઈ છે, તો બીજી તરફ સરસવ, સોયા અને સૂર્યમુખી તેલના ભાવમાં પણ આશરે ૧૫% નો વધારો નોંધાયો છે.

કેન્‍દ્ર સરકારના ૨૪ નવેમ્‍બર ૨૦૨૫ અને ૨૪ નવેમ્‍બર ૨૦૨૬ ના સત્તાવાર આંકડા મુજબ, છેલ્‍લા એક વર્ષમાં ડુંગળીની કિમતમાં સૌથી વધુ વધારો થયો છે. ગત વર્ષે ૨૪ નવેમ્‍બરે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ૨૬.૯૫ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને ૫૩.૩૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આમ, એક વર્ષમાં ડુંગળીના ભાવમાં ૯૮.૦૭%નો તોતિગ વધારો થયો છે. એ જ રીતે, ખાંડનો ભાવ પણ ૪૬.૬૦ રૂપિયાથી વધીને ૬૧.૦૬ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે ૩૧.૦૩% નો વધારો દર્શાવે છે.

અનાજની વાત કરીએ તો ચોખાનો છૂટક ભાવ ૪૩.૩૪ રૂપિયાથી વધીને ૪૮.૨૫ રૂપિયા પ્રતિ કિલો થયો છે, એટલે કે તેમાં ૧૧.૩૩%નો વધારો થયો છે. આ ઉપરાંત ઘઉં અને લોટના ભાવમાં પણ સામાન્‍ય વધારો જોવા મળ્‍યો છે. કઠોળના ભાવમાં પણ ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ચણાની દાળનો છૂટક ભાવ ૮૬.૮૫ રૂપિયાથી વધીને ૯૬.૧૩ રૂપિયા પ્રતિ કિલો થયો છે, જેમાં ૧૦%થી વધુનો વધારો છે. તુવેર દાળ ૧૧૫ રૂપિયાથી વધીને ૧૩૬ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જે આશરે ૧૮% મોંઘી થઈ છે. મસૂર દાળની કિમતમાં પણ ૧૫%થી વધુનો વધારો નોંધાયો છે.

કેન્‍દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના આંકડા અનુસાર, છેલ્‍લા એક વર્ષમાં તમામ પ્રકારના ખાદ્ય તેલ મોંઘા થયા છે. સરસવના તેલનો સરેરાશ છૂટક ભાવ ૧૮૬.૫૪ રૂપિયાથી વધીને ૨૧૫.૩૦ રૂપિયા પ્રતિ કિલો થયો છે, એટલે કે પ્રતિ કિલોએ ૨૮.૭૬ રૂપિયાનો વધારો થયો છે. સોયા તેલનો ભાવ ૧૪૬.૬૩ રૂપિયાથી વધીને ૧૬૯.૪૫ રૂપિયા પ્રતિ કિલો થતાં તેમાં ૧૫.૫૬%નો વધારો થયો છે. સૂર્યમુખી તેલ ૧૬૫.૦૫ રૂપિયાથી વધીને ૧૯૦.૫૫ રૂપિયા પ્રતિ કિલો અને સીંગતેલ ૧૮૭.૭૮ રૂપિયાથી વધીને ૨૧૦.૮૬ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. આ ઉપરાંત પામ તેલનો ભાવ પણ ૧૩૨.૯૭ રૂપિયાથી વધીને ૧૫૧.૪૪ રૂપિયા પ્રતિ કિલો થયો છે.

ખાદ્ય તેલની મોંઘવારી માત્ર છૂટક બજાર પૂરતી મર્યાદિત નથી, જથ્‍થાબંધ બજારમાં પણ ભાવ વધ્‍યા છે. સરકારી આંકડા મુજબ, એક વર્ષમાં સરસવના તેલના જથ્‍થાબંધ ભાવમાં ૧૫.૮૫%, સોયા તેલમાં ૧૫.૯૫%, સૂર્યમુખી તેલમાં ૧૫.૭૦% અને પામ તેલમાં ૧૩.૯૧્રુનો વધારો થયો છે. જો છેલ્‍લા એક મહિનાના આંકડા પર નજર કરીએ તો સરસવના તેલના છૂટક ભાવમાં સૌથી વધુ ૪.૪૨%નો વધારો થયો છે, જોકે આ જ સમયગાળામાં સૂર્યમુખી તેલ ૦.૨૨% અને પામ તેલ ૧.૨૩% જેટલું સસ્‍તું પણ થયું છે.

ચોતરફી મોંઘવારી વચ્‍ચે માત્ર આ ૨ ચીજો એટલે કે બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. સરકારી આંકડા મુજબ, બટાકાનો સરેરાશ છૂટક ભાવ ૨૭.૦૭ રૂપિયાથી ઘટીને ૨૩.૪૦ રૂપિયા પ્રતિ કિલો રહી ગયો છે, જે ૧૩.૫૬% નો ઘટાડો દર્શાવે છે. બીજી તરફ ટામેટાંના ભાવ પણ ૫૧.૧૨ રૂપિયાથી ઘટીને ૩૮.૫૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે, એટલે કે તેમાં ૨૪.૫૯% નો ઘટાડો નોંધાયો છે.

ખાદ્ય પદાર્થોની કિમતોમાં થયેલા આ વધારા પાછળ નબળું ચોમાસું, પાકને થયેલું નુકસાન, ખેડૂતોનો વધતો ખેતી ખર્ચ અને પશુઓના ચારાની મોંઘવારી જેવા પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતી વધઘટ અને પヘમિ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર પણ ઘરેલુ બજાર પર પડી શકે છે. ભારત તેની જરૂરિયાતનું અડધાથી વધુ ખાદ્ય તેલ વિદેશથી આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધતા દેશમાં પણ તેલ મોંઘું થાય છે. એકંદરે, બટાકા અને ટામેટાં સસ્‍તા થયા હોવા છતાં બાકીની ૧૩ ચીજો જેવી કે ડુંગળી, ખાંડ, દાળ અને તેલની મોંઘવારીએ સામાન્‍ય પરિવારોના રસોડાનું બજેટ ખોરવી નાખ્‍યું છે.

(10:49 AM IST)