તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 21st June 2026
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજાની બાતમી પરથી નિકોલ ખાતે ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં વિજય કરડાણી સહિતના 10 આરોપીઓ ઝડપાયા
પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય.બલોચ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં દુબઈ બેઠેલા યુઆન નામના શખ્સ દ્વારા આકાશ નાયકને કમિશન પર અપાતી ફ્રેન્ચાઇઝી અને ૨૧૮૭ જેટલા બેંક ખાતાઓ મારફતે આચરાયેલું ૩૨૪.૫૮ કરોડનું સાયબર ફ્રોડ નેટવર્ક ખૂલ્યું

અમદાવાદ:ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની કચેરી દ્વારા ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગ અને સાયબર ફ્રોડના એક બહુ મોટા આંતરરાષ્ટ્રીય આયોજનબદ્ધ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજાને મળેલી ચોક્કસ બાતમી હકિકતના આધારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી વિજયકુમાર વલ્લભભાઈ કરડાણીને આઇ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી ટેબલેટ, ૩ નંગ મોબાઇલ, ટીવી, સેટઅપ બોક્સ, એડપ્ટર, રિમોટ, કેલ્ક્યુલેટર, મોબાઇલ ચાર્જર, રોકડા રૂપિયા તેમજ એક હેરીયર કાર સહિત કુલ રૂપિયા ૧૫,૭૩,૬૬૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા આરોપીઓ તેમજ મુખ્ય વોન્ટેડ આરોપી રાજવીરસિંઘ અને અન્ય ૪૬ ગ્રાહકો મળી કુલ ૪૭ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા અને આઇ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય.બલોચ ચલાવી રહ્યા છે.
**મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાકીય લેવડ-દેવડનું નેટવર્ક:**
પકડાયેલા આરોપીઓ વિજય કરડાણી, મિત જયેશભાઈ કાલરિયા, જય ઉર્ફે રાજા લલીતભાઇ અઘેરા, અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટક અને આકાશ રત્નાકર નાયક ઓનલાઇન ક્રિકેટ સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી થતી નાણાકીય લેવડ-દેવડમાં પોતાની ઓળખ અને સંડોવણી છુપાવવા માટે અન્ય અજાણ્યા વ્યક્તિઓના નામે રહેલા બેંક એકાઉન્ટો (મ્યુલ એકાઉન્ટો) નો વ્યાપક ઉપયોગ કરતા હતા. તપાસ દરમિયાન વિજય કરડાણીના મોબાઇલમાંથી ૨૮૧ બેંક ખાતાની માહિતી મળી હતી, જેમાંથી NCCRP પોર્ટલ પર ચકાસણી કરતા ૫૦ ખાતાઓ ફ્રીઝ હોવાનું જણાયું હતું. જ્યારે અન્ય આરોપી અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટકના મોબાઇલના વોટ્સએપ ગ્રૂપોમાંથી ૧૯૦૭ બેંક એકાઉન્ટોની વિગતો મળી આવી હતી, જેમાંથી ૩૦૪ ખાતાઓ ફ્રીઝ થયેલા જોવા મળ્યા છે.
**દુબઈ કનેક્શન અને ૪૦% કમિશનની ફ્રેન્ચાઇઝી:**
આ કૌભાંડના તાર છેક વિદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. મ્યુલ એકાઉન્ટોની વ્યવસ્થા અને તેના સંચાલન માટે આરોપી આકાશ રત્નાકર નાયકને દુબઈ ખાતે રહેતા યુઆન નામના માણસ દ્વારા ૪૦% ના જંગી કમિશન ઉપર ક્રિકેટ સટ્ટાના હાર-જીતના નાણાં હેન્ડલ કરવા માટેની મુખ્ય બ્રાંચ/ફ્રેન્ચાઇઝી આપવામાં આવી હતી. આકાશ નાયકે આ નેટવર્ક આગળ ધપાવવા માટે પોતાના હાથ નીચે ભારતના અલગ-અલગ રાજ્યોમાં ૨૦ થી ૨૫% કમિશન પેટે અન્ય સબ-બ્રાંચો ચલાવવા આપી હોવાનો પર્દાફાશ થયો છે.
**૩૨૪ કરોડથી વધુનું સાયબર ફ્રોડ અને મની ટ્રેઇલની તપાસ:**
તપાસ દરમિયાન વિજય વલ્લભભાઇ કરડાણી, મિત જયેશભાઈ કાલરિયા, જય ઉર્ફે રાજા લલીતભાઈ અઘેરા, અનીલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટક, હર્ષલ કેતનભાઇ દાફડા, નિકુંજ (રહે. અમદાવાદ), કરણ હિંમતસિંહ ઠાકોર, ચેતન સવજીભાઇ વાછાણી, પ્રફુલ (રહે. થરાદ), આકાશ રતનાકર નાય, રોહન કિશન થાપા, રાજવીરસિંહ, યુઆન (રહે. દુબઇ), સમ્રાટ પટેલ, નિથિનસિંઘ, ટોમ ઠક્કર અને હાર્દિક ડાભી નામના શખ્સો પરસ્પર મેળાપીપણું રચીને છેલ્લા બે વર્ષથી આ કાળો કારોબાર ચલાવતા હોવાનું ખુલ્યું છે. NCCRP પોર્ટલ પર વધુ ચકાસણી કરતા આ બેંક ખાતાઓ વિરૂદ્ધ ભારતના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડને લગતી કુલ ૫૪૨ ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે અલગ-અલગ એજન્સીઓએ અગાઉથી જ ૩૫૪ બેંક ખાતાઓ ફ્રીઝ કરાવેલા છે. આ ફરિયાદોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે આ સાયબર ફ્રોડના ગુનાઓમાં દેશના નિર્દોષ ભોગ બનનારા નાગરિકો સાથે કુલ રૂ. ૩૨૪,૫૮,૩૪,૨૮૫/- (અંકે રૂપિયા ત્રણસો ચોવીસ કરોડ અઠ્ઠાવન લાખ ચોત્રીસ હજાર બસ્સો પંચ્યાસી) ની માતબર રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો છે.
હાલના તબક્કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા વિવિધ આરોપીઓ જેવા કે આકાશ નાયક, અનીલ કોટક, પ્રતીક મારડીયા, વિજય વલ્લભ કરડાણી, અશ્વિન મેંદપરા, જય કનેરિયા, શંભુ, હિરેન કથિરિયા, નવનીત ખંભાળા, જય ઉર્ફે રાજા અઘેરા અને મિત કાલરિયા વગેરેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મ્યુલ એકાઉન્ટો કોણે અને કઈ રીતે ઓપરેટ કર્યા તેમજ આ નાણાંકીય વ્યવહારોના પૈસા દેશની બહાર કયા માધ્યમથી મોકલવામાં આવી રહ્યા હતા, તે દિશામાં મની ટ્રેઇલની ઝીણવટભરી તપાસ ચાલુ છે અને બાકીના ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
