તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th October 2026
નવરાત્રી પહેલાં સોશિયલ મીડિયા પર "ગરબા પાર્ટનર" શોધવાનો ઓનલાઇન હોબાળો: મોહક જાહેરાતો પાછળનું મોટું કૌભાંડ : સાયબર ગુનેગારોની નવી જાળ સામે પોલીસે જારી કરી એડવાઇઝરી
ઇન્દોરથી અમદાવાદ, સુરત અને મુંબઈ સુધીના મેટ્રો શહેરોના યુવાનોને ટાર્ગેટ કરતું સાયબર માફિયા: 'ગરબા પાસ' અને 'દાંડિયા પાર્ટનર' ની લાલચ આપી વ્યક્તિગત ડેટા ચોરી અને મોટી નાણાકીય ઠગાઈનું ઘેરૂં જોખમ

ઇન્દોર : મા અંબાના ઉપાસના પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના ઇન્દોર સહિત ગુજરાત અને દેશભરના મોટા શહેરોમાં ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ, આ ઉત્સવના વાતાવરણ વચ્ચે સાયબર ગુનેગારોએ યુવાનોને છેતરવા માટે એક અનોખો અને મોહક રસ્તો શોધી કાઢ્યો છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ્સ પર "ગરબા પાર્ટનર શોધો" અને "દાંડિયા પાર્ટનર શોધો" જેવી આકર્ષક જાહેરાતોનો રાફડો ફાટ્યો છે. આવી લિંક્સ અને એપ્લિકેશન્સ યુવાનોને નવરાત્રીના નવ દિવસ માટે મનપસંદ સાથીદાર મેળવવાની ગુલાબી લાલચ આપીને પોતાના ડાર્ક વેબના જાળમાં ફસાવી રહી છે.
આ નવીન પ્રકારની ડિજિટલ છેતરપિંડીને ગંભીરતાથી લેતા ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે કડક વલણ અપનાવ્યું છે. સાયબર કૌભાંડીઓ માત્ર ઇન્દોર કે ભોપાલ જ નહીં, પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, જયપુર, મુંબઈ અને દિલ્હી-એનસીઆર જેવા મેટ્રો શહેરોને લક્ષ્ય બનાવી રહ્યા છે. આવી વેબસાઇટ્સ માત્ર પાર્ટનર મેચિંગ જ નહીં પરંતુ ફ્રી ગરબા પાસ, વીઆઇપી એન્ટ્રી ગાઇડ અને નવરાત્રી ઇવેન્ટ્સના નિયમો જણાવવાના બહાને નાગરિકો પાસેથી બેંક વિગતો, પ્રોફાઇલ પિક્ચર્સ અને અંગત માહિતી પડાવી રહી છે, જેનાથી મોટા નાણાકીય ફ્રોડ અને ડેટા લીક થવાનું ભારે જોખમ ઊભું થયું છે.
આ સમગ્ર સાયબર કૌભાંડ અંગે ઇન્દોર પોલીસના એડિશનલ ડીસીપી (ક્રાઇમ) રાજેશ દંડોટિયાએ નાગરિકો અને ખાસ કરીને યુવાનો માટે ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર' કે 'દાંડિયા પાર્ટનર' પૂરા પાડવાના નામે આવતી જાહેરાતો સાયબર સ્કેમર્સ દ્વારા ફેંકવામાં આવેલી જાળ સિવાય બીજું કંઈ નથી. કોઈપણ અજાણી લિંક, નકલી વેબસાઇટ કે એપ પર પોતાની અંગત વિગતો, ફોટોગ્રાફ્સ કે ઓટીપી શેર કરશો નહીં તેમજ કોઈપણ પ્રકારનું ઓનલાઇન પેમેન્ટ ન કરો. નવરાત્રીની ખુશીઓમાં સહેજ પણ અજાણતા તમને મોટા સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે છે."
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
