તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ઓનલાઈન વેપાર કરનારે અલગ અલગ રાજ્યમાં જીએસટી નંબર લેવો નહીં પડે
એક જ જગ્યા પર લેવામાં આવેલા નંબરથી સરળતાથી વેપાર કરી શકાશે

મુંબઇ તા.૨: ઓનલાઇન વેપાર કરતા વેપારીઓ માટે રાહત આપતો નિર્ણય આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવે તેવી વિગતો જાણવા મળી છે. હાલમાં નાના વેપારીઓએ જે પણ રાજ્યમાં વેપાર કરવાના હોય તે રાજ્યમાં જીએસટી નંબર લેવાનો હોય છે, પરંતુ હવેથી તેઓએ એક જ નંબરના આધારે વેપાર કરી શકે તેવી સુવિધા શરૂ કરવાની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવે તેવી જાણકારી મળી છે.
ઓનલાઈન વેપાર જે પણ જગ્યાએથી એટલે કે જે રાજ્યમાંથી વેપાર શરૂ કર્યો હોય તે રાજ્યનો જીએસટી નંબર લેવામાં આવતો હોય છે. ત્યારબાદ પોતાનો માલ અન્ય રાજ્યમાં મોકલવામાં આવે તો તેનો પણ નંબર લેવાનો નિયમ હોય છે. આ કારણોસર નાના વેપારીઓએ ભારે પરેશાની વેઠવી પડતી હતી, પરંતુ આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નવી વ્યવસ્થા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવનાર છે. તેમાં વેપારીએ એક જ રાજ્યમાંથી નંબર લીધા બાદ અન્ય રાજ્યમાં પણ સરળતાથી વેપાર કરી શકશે. જોકે પોતાનો માલ જે પણ રાજ્યમાં મોકલવામાં આવે એટલે કે ગોડાઉનમાં મોકલવામાં આવે તેની વિગતો જીએસટી નંબર લેતી વખતે દર્શાવવી પડશે. જેથી પોતાનો માલ તે રાજ્યમાં મોકલે એટલે તેની જાણકારી મળી રહે.
જોકે આ નિયમને કારણે વેપારીઓને સૌથી વધુ રાહત થવાની છે, કારણ કે વેપારીઓએ તે રાજ્યનો નંબર લેવાની સાથે અન્ય વિગતો પણ રજૂ કરવાની રહેતી હતી.
આ ઉપરાંત તેઓને સૌથી વધુ સમસ્યા આઈટીસી મેળવવામાં થતી હતી. તેમાં ઊભી કરવામાં આવેલી કવેરીને દૂર કરવામાં જ વેપારીઓને લાંબો સમય થતો હતો. આ તમામ સમસ્યાનું નિરાકરણ થવાના કારણે ઓનલાઈન વેપાર કરનારાઓ હવેથી અન્ય રાજ્યમાં પણ પોતાના વેપારનો વ્યાપ વધારવામાં સરળતા રહેવાની છે. તેમજ આનો લાભ નાના વેપારીઓને જ મળવાનો છે. તેમાં પણ ટર્નઓવરની મર્યાદા પણ નક્કી કરી દેવામાં આવશે જેથી કેટલાક લોકો તેનો દુરુપયોગ નહીં કરે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવે તેવી વિગતો જાણવા મળી છે
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
