તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
માતૃશક્તિના આશીર્વાદથી જ દેશ બનશે વિશ્વગુરૂઃ નરેન્દ્રભાઇ
પોતાના સંસદીય ક્ષેત્રમાં રૂા. ૬,૩૫૦ કરોડના પ્રોજેક્ટસની ભેટ આપતા પીએમ મોદી : મહિલા સંમેલનમાં ઉમટી ભવ્ય જનમેદની, વડાપ્રધાને દેશના વિકાસમાં મહિલાઓના નેતૃત્વ પર આપ્યો ભાર

વારાણસી, તા. ર૯: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મંગળવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત દરમિયાન ‘નારી શક્તિ સંમેલન'ને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની સફરમાં મહિલા શક્તિ સૌથી મજબૂત સ્તંભ તરીકે ઉભરી રહી છે. કાશીની ધરતી પરથી પીએમ મોદીએ દેશના વિકાસમાં મહિલાઓના મહત્વને રેખાંકિત કર્યું હતું.
ખચોખચ ભરેલા મહિલા સંમેલનને સંબોધતા પીએમ મોદીએ ભાવુક અંદાજમાં કહ્યું કે, ‘વિકસિત ભારતના મિશનને સતત આગળ વધારવા માટે હું આજે અહીં મારી બહેનો અને દીકરીઓના આશીર્વાદ લેવા આવ્યો છું. જ્યારે દેશની નારી શક્તિ આશીર્વાદ આપે છે, ત્યારે કોઈ પણ મિશન અશકય રહેતું નથી. ભારતની આર્થિક અને સામાજિક પ્રગતિમાં મહિલાઓ જ મુખ્ય ડ્રાઈવિંગ ફોર્સ છે.'
પીએમ મોદીએ આ પ્રવાસ દરમિયાન વારાણસી અને આસપાસના વિસ્તારો માટે આશરે રૂા. ૬,૩૫૦ કરોડના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સેવાઓ અને જાહેર સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સંમેલન દરમિયાન હજારો મહિલાઓએ તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
સરકારની પ્રાથમિકતાઓ વિશે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર માત્ર મહિલાઓના વિકાસ માટે જ નહીં, પરંતુ મહિલાઓના નેતળત્વ હેઠળના વિકાસ (Women-led Development) માટે પ્રતિબદ્ધ છે. તેમણે મુદ્રા યોજના, ઉજ્જવલા અને આવાસ યોજના જેવી યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે કેવી રીતે આ યોજનાઓએ છેવાડાની મહિલાઓને સશક્ત બનાવી છે.
કાશીમાં આયોજિત આ કાર્યક્રમ માત્ર વિકાસની દ્રષ્ટિએ જ નહીં, પણ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે. પીએમ મોદીએ સંકેત આપ્યો કે આગામી સમયમાં નારી શક્તિના સહયોગથી જ ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધશે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
