<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

માત્ર અડધા કલાકનો વરસાદ અને દિલ્‍હીના હાલ બેહાલ

દ્વારકા એક્સપ્રેસવે બંધ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવઃ નજરૂરી મુસાફરી ટાળવા તંત્રની સલાહ

 

નવી દિલ્‍હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે ચોમાસાના પ્રથમ ભારે વરસાદે એક તરફ લોકોને ગરમી અને ભેજમાંથી રાહત આપી તો બીજી તરફ શહેરની વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા. માત્ર અડધા કલાકના મુશળધાર વરસાદમાં જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ.

 સૌથી વધુ અસર દ્વારકા એક્સપ્રેસવે અંડરપાસ પર જોવા મળી જ્યાં ભારે પાણી ભરાઈ જતાં વહીવટીતંત્રે સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર માટે માર્ગ બંધ કરી દીધો હતો. પરિણામે હજારો વાહનચાલકો લાંબા ટ્રાફિક જામમાં ફસાયા અને અનેક લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

 

ભારે વરસાદની અસર માત્ર દ્વારકા એક્સપ્રેસવે પૂરતી મર્યાદિત રહી નહોતી. તુગલકાબાદ, પુલ પ્રહલાદપુર, મિન્ટો બ્રિજ, ઓખલા ઔદ્યોગિક વિસ્તાર, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. અનેક સ્થળોએ બે-વ્હીલર વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા, જ્યારે કાર અને અન્ય વાહનોની ગતિ ખૂબ ધીમી થઈ ગઈ હતી. રવિવાર હોવા છતાં શહેરના મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા.

જયારે ઓખલા ઔદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરીઓ તરફ જતા રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે કર્મચારીઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જાહેર પરિવહન સેવાઓ પણ અસરગ્રસ્ત બનતાં મુસાફરોને ગંતવ્ય સુધી પહોંચવામાં મોડું થયું હતું.

 

આ દરમિયાન દિલ્હી-દહેરાદૂન ઇકોનોમિક કોરિડોર પર પણ ભારે વરસાદની અસર જોવા મળી હતી. રસ્તાની નીચેની જમીન ધસી જતાં અને કાટમાળ એકઠો થતાં માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર 30 જૂનની રાત્રે પડેલા વરસાદ પછી એક સ્થળે પાણી લાંબા સમય સુધી ભરાયેલું રહ્યું હતું, કારણ કે ત્યાં કાયમી ડ્રેનેજ સિસ્ટમ હજુ કાર્યરત નહોતી. વરસાદી પાણીના કારણે રસ્તા પર ખાડા પડ્યા અને કાટમાળ જમા થતાં મુસાફરી વધુ જોખમી બની ગઈ હતી. આ ઘટનાએ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થાની તૈયારીઓ પર પણ સવાલો ઊભા કર્યા છે.

 

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે દ્વારકા એક્સપ્રેસવે અંડરપાસમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સફળતા મળી નથી. ભારે વરસાદ બાદ અંડરપાસમાં ઘણા ફૂટ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે દર વર્ષે ડ્રેનેજ સુધારવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.

(4:15 PM IST)