તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
રેડ એલર્ટ વચ્ચે રાજકોટમાં માત્ર ત્રણ ઇંચ
ગઇકાલે રાત્રે શરૂ થયેલો ઝરમર વરસાદ આજે બપોરે પણ ચાલુઃ વાતાવરણમાં ઠંડકઃ આકાશ હજુ ગોરંભાયેલુ : શહેર-ગ્રામ્યમાં હજુ વરસાદની જરૂર : ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રીના ૯ વાગ્યાથી આજ બપોરના ર વાગ્યા સુધીમાં સેન્ટ્રલમાં ૭ર મીમી, વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોનમાં પ૬ મીમી નોંધાયોઃ સિઝનનો વરસાદ ૧૪ ઈંચને પાર

રાજકોટ, તા.૧: હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ રાજકોટ પર ધીમીધારે હેત વરસાવ્યો છે. મધરાતથી શરૂ થયેલો ઝરમર વરસાદ આજે સવારે પણ યથાવત રહ્યો હતો. ગતરાત્રીના ૯ વાગ્યાથી બપોરના ર વાગ્યા સુધીમાં શહેરમાં અંદાજે ૩ ઈંચ વરસાદ પડયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ સતત હોવા છતાં શાંત ગતિએ વરસતા શહેરમાં કોઈ મોટી જાનહાનિ કે વ્યાપક નુકસાની સર્જાઈ નથી.
વરસાદ વચ્ચે શહેરના સદરબજાર અને લલ્લુડી વોકળી વિસ્તારમાં બે તોતિંગ વળક્ષો ધરાશાયી થયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, પોલીસ અને અન્ય તમામ સરકારી વિભાગો એલર્ટ મોડ પર મૂકાયા છે. નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદનું જોર વધે અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા માટે શાળાઓ અને કોમ્યુનિટી હોલ સહિતની વ્યવસ્થાઓ પણ તૈયાર રાખવામાં આવી છે.
ફાયરબ્રિગેડ મુજબ ગત રાતના ૯ વગ્યાથી બપોરના ર વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૭ર મીમી, વેસ્ટ ઝોનમાં ૭૦ મીમી તથા ઇસ્ટ ઝોનમાં પ૬ મીમી વરસાદ નોંધાયો છે.
રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોમાં પણ નવા પાણીની સતત આવક થઈ રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત રહેવા, નદી-નાળા નજીક ન જવા અને જરૂર જણાય તો વિલંબ કર્યા વગર સલામત સ્થળે પહોંચી જવાની અપીલ કરવામાં આવી રહી છે.
રંગિલા રાજકોટ શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ પોતપોતાનો અડિગો જમાવ્યો છે. ગઈકાલે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આખી રાત દરમિયાન ધીમીધારે અને ઝરમર સ્વરૂપે ચાલુ રહ્યો હતો. રાતભર વરસેલા અવિરત વરસાદને કારણે સવાર સુધીમાં કુલ ૧ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ ધીમીધારના વરસાદને કારણે બપોર સુધીમાં રાજકોટ શહેરમાં વાતાવરણ એકદમ આહલાદક, ઘેઘુર અને ટાઢોડું બની ગયું છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૩૦ વાગ્ે રાત્રીના ૯ વાગ્યા થી સવારે ૧૦ વાગ્યા સુધીમાં બે થી અઢી ઈંચ પાણી પડી ગયું છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦.૩૦ વાગ્યે રાત્રીના ૯ વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધીમાં બે થી અઢી ઇંચ પાણી પડી ગયું છે.
આજે વહેલી સવારે પણ મેઘરાજાએ વિરામ લીધો ન હતો. આ લખાય છે ત્યારે પણ શહેરમાં ધીમીધારે વરસાદ ચાલુ જ છે. વાદળછાયા અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સતત વરસી રહેલા ઝાપટાંના કારણે લોકોએ અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત અનુભવી છે. વાતાવરણમાં પ્રસરેલી સોડમ અને ટાઢકથી વાતાવરણ મનમોહક બની ગયું છે.
સતત વરસી રહેલા વરસાદ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. શાળા-કોલેજોમાં રજા હોવાથી તેમજ વહેલી સવારથી જ ઝરમર વરસાદ ચાલુ હોવાના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ રસ્તાઓ પર લોકો અને વાહનોની અવરજવર સાવ ઓછી જોવા મળી હતી. નોકરીયાત વર્ગ અને ધંધાદારીઓ પણ વરસાદી માહોલ વચ્ચે સાવચેતીપૂર્વક બહાર નીકળતા નજરે પડ્યા હતા.
આખી રાત વરસેલા ૧ ઇંચ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, માર્ગો અને સોસાયટીઓમાં હળવા પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સતત ધીમીધારે વરસાદ પડતો હોવાથી પાણીનો નિકાલ ધીમો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.
ચોમાસાની આ જામતી ઋતુમાં રાજકોટવાસીઓ એક તરફ વરસાદી ટાઢકનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ વહેલી સવારથી જ સુમસામ બનેલા રસ્તાઓ વચ્ચે તંત્ર દ્વારા પણ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વરસાદથી ખેડૂતોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને કપાસ અને મગફળી સહિતના પાકને સારા વરસાદથી ફાયદો થવાની આશા છે. વાવણીના એકથી દોઢ મહિના બાદ સારો વરસાદ થતાં પાકને જરૂરી ભેજ મળતા ખેડૂતો માટે આ વરસાદ ઁકાચું સોનુંઁ સમાન સાબિત થઈ રહ્યો છે.
રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ કેટલાક વિસ્તારોને સારા અને વ્યાપક વરસાદની જરૂરિયાત છે. ખાસ કરીને સિંચાઈ માટે મહત્વના રાજકોટ જિલ્લાના મોટાભાગના ડેમોમાં હજુ પણ પાણીનો જથ્થો ઓછો હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો ડેમોમાં પાણીની આવક વધવાની સાથે ખેતી અને પીવાના પાણીની સ્થિતિમાં પણ રાહત મળી શકે છે.
રેડ એલર્ટ વચ્ચે તંત્ર દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર વધે તેવી શકયતાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લાનું તંત્ર એલર્ટ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે મધરાતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તમામ તાલુકાઓની ડિઝાસ્ટર સેલની કામગીરીની કલેક્ટરે સમીક્ષા કરી હતી.(૬.૧૯)
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
