તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
યુદ્ધનો અંત માત્ર ટ્રમ્પ જ નક્કી કરશેઃ ઈરાન સૈન્ય અને આર્થિક બંને મોરચે પરાસ્ત
ઈરાન સાથે ચાલી રહેલો સંઘર્ષ ત્યારે જ રોકાશે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ઈચ્છશેઃ વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કરી દીધું: ટ્રમ્પ જ આ સંઘર્ષની ટાઈમલાઈન નક્કી કરશેઃ કેરોલિન લેવિટ : વોશિંગ્ટન હાલમાં ઈરાનના એકીકૃત શાંતિ પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે, પરંતુ ‘ઓપરેશન ઈકોનોમિક ફયુરી' અને નૌસેનાની નાકાબંધી દ્વારા દબાણ યથાવત રાખવામાં આવ્યું છેઃ સંઘર્ષનો અંત માત્ર ટ્રમ્પ જ નક્કી કરશે

વોશિંગ્ટન,તા.૨૩: અમેરિકાએ સાફ કરી દીધું છે કે, પヘમિ એશિયામાં ઈરાન સાથેનો સંઘર્ષ ક્યાં સુધી ચાલશે, તેને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે નિર્ણય લેશે. આ બાબતમાં ટ્રમ્પે કોઈ ટાઈમલાઈન નક્કી કરી નથી, પરંતુ સંઘર્ષનો અંત અમેરિકાના રાષ્ટ્રીય હિતો અને ત્યાંના લોકોની ભલાઈના આધારે નક્કી થશે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, વર્તમાન સમયમાં સૈન્ય અને જમીની હુમલાઓ પર સીઝફાયર લાગુ છે, જ્યારે અમેરિકા ઈરાન તરફથી શાંતિ પ્રસ્તાવની રાહ જોઈ રહ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે બુધવારે વોશિગ્ટનમાં એક પ્રેસ બ્રીફિગ દરમિયાન સ્પષ્ટ કર્યું કે, આ સમયે સંઘર્ષ માટે કોઈ નિヘતિ ટાઈમલાઈન નથી, કારણ કે જમીની સ્તર પર ઘટનાક્રમ સતત બદલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જ આ સંઘર્ષની ટાઈમલાઈન નક્કી કરશે અને તેઓ એવું ત્યારે કરશે, જ્યારે તેમને લાગશે કે આ અમેરિકા અથવા ત્યાંના લોકોની ભલાઈ માટે છે.
વ્હાઇટ હાઉસે તે મીડિયા રિપોર્ટ્સને સદંતર ફગાવી દીધા છે જેમાં ઈરાનને ત્રણથી પાંચ દિવસની સમયમર્યાદા આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. લેવિટે ભાર પૂર્વક કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંઘર્ષ કે હોર્મુઝની નાકાબંધી ખતમ કરવા માટે કોઈ નિヘતિ ડેડલાઈન સેટ નથી કરી. તેમણે કહ્યું કે, સમયમર્યાદાને લઈને ચાલી રહેલા તમામ સમાચારો ખોટા છે. રાષ્ટ્રપતિ ત્યારે જ આગામી પગલું ભરશે, જ્યારે તેમને લાગશે કે તે અમેરિકાના શ્રેષ્ઠ હિતમાં છે. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વર્તમાન નૌસેનાની નાકાબંધીથી સંતુષ્ટ છે અને માને છે કે ઈરાન અત્યારે ખૂબ જ નબળી સ્થિતિમાં છે. કાર્ડ અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથમાં છે.
વ્હાઇટ હાઉસે ઈરાન તરફથી આવી રહેલા સંદેશાઓ પર સાવધાની રાખવાની સલાહ આપી છે. લેવિટે કહ્યું કે, ઈરાન જાહેરમાં જે કહે છે અને ખાનગી વાતચીતમાં જે સ્વીકારે છે, તેમાં ઘણો મોટો તફાવત છે. તેમણે ચેતવણી આપી કે ઈરાનના જાહેર નિવેદનોને તેમના અંકિત મૂલ્ય પર ન લેવા જોઈએ. અમેરિકી ગુપ્તચર એજન્સી અને વાતચીત કરનારી ટીમને ખબર છે કે અસલમાં પડદા પાછળ શું ચાલી રહ્યું છે.
લેવિટના જણાવ્યા અનુસાર, વર્તમાન સંકટ ઈરાનની અંદર 'શાંતિ પ્રિય અને કટ્ટરપંથીઓ' વચ્ચે ચાલી રહેલા આંતરિક યુદ્ધને પણ દર્શાવે છે. આ આંતરિક કલેશ અને વિભાજનને કારણે અમેરિકાને અત્યાર સુધી કોઈ એકીકૃત પ્રસ્તાવ મળ્યો નથી. રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે, ઈરાનના તમામ પક્ષો મળીને એક સંયુક્ત પ્રસ્તાવ રજૂ કરે. ત્યાં સુધી 'ઓપરેશન ઈકોનોમિક ફયુરી' હેઠળ આર્થિક દબાણ અને નાકાબંધીનો સિલસિલો ચાલુ રહેશે.
તેમણે એ પણ જણાવ્યું કે, ભલે સૈન્ય હુમલા અટક્યા હોય, પરંતુ ઈરાન વિરુદ્ધ આર્થિક યુદ્ધ ચાલુ છે. સફળ નૌસેનાની નાકાબંધી દ્વારા ઈરાની બંદરો તરફ જતા અને ત્યાંથી આવતા જહાજોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લેવિટે કહ્યું કે, પસાર થતી દરેક પળ સાથે ઈરાન આર્થિક અને નાણાકીય રીતે તૂટી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસને પોતાની 'રેડ લાઈન' સ્પષ્ટ કરી દીધી છે અને તેઓ કોઈ પણ સંજોગોમાં અમેરિકી હિતો સાથે બાંધછોડ નહીં કરે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાની નેતૃત્વને પ્રસ્તાવ તૈયાર કરવા માટે થોડી ફલેક્સિબિલિટી આપી છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે, તેઓ જાણે છે કે તેઓ કઈ વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ઈરાની શાસનની અંદર ભારે તિરાડો છે. છેલ્લા પાંચ દાયકાના ઘણા નેતાઓ હવે માર્યા ગયા છે. અમેરિકા આ સમયે પૂરી રીતે હાવી છે, કારણ કે ઈરાન સૈન્ય અને આર્થિક બંને મોરચે પરાસ્ત થઈ ચૂક્યું છે.
વ્હાઇટ હાઉસનું સ્પષ્ટ છે કે, કમાન સંપૂર્ણપણે 'કમાન્ડર-ઈન-ચીફ' એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે. તેઓ સ્વતંત્ર દુનિયાનું નેતૃત્વ કરતા ઈરાનના જવાબની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી ઈરાન પોતાની આંતરિક જૂથબંધી ખતમ કરી એક નક્કર અને એકીકૃત પ્રસ્તાવ લઈને નથી આવતું, ત્યાં સુધી અમેરિકા પોતાની મજબૂત સ્થિતિ અને નાકાબંધીને છોડવાનું નથી. સંઘર્ષનો અંત ક્યારે થશે, તે માત્ર ટ્રમ્પ જ નક્કી કરશે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
