<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજસ્‍થાનની પાલિકા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને માત્ર એક મત

જયપુરઃતા.૧૫:  રાજસ્‍થાનમાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાની ચૂંટણીમાં એક મત વિસ્‍તારમાંથી ઊભા રહેલા ભાજપ ઉમેદવાર કૈલાશચંદને ફકત એક મત મળ્‍યો છે.

રાજયના ડિડવાના-કુચામાન  જિલ્‍લામાં આવેલી પરબતસર નગરપાલિકાના વોર્ડ-૧૩માંથી કૈલાશચંદે ઉમેદવારી કરી હતી. એમના પ્રતિસ્‍પર્ધી કોંગ્રેસી ઉમેદવાર હીના ખાનામને ૩૭૬ મત મળતા એમનો વિજય થયો છે. રશીદ ખાન નામના અપક્ષ ઉમેદવારને ૧૯૫ મત મળ્‍યા છે.

કૈલાશચંદે કહ્યું કે તેઓ પોતે વોર્ડ ૧૨ ના મતદાર છે, પરંતુ ભાજપે એમને પડોશી વોર્ડ-૧૩માંથી ઉમેદવારી કરાવી. ‘‘મને એક મત મળ્‍યોછે. મારો મત વોર્ડ-૧૨માં છે.''વોર્ડ-૧૩માંથી ઊભો રહ્યો છું. એ વોર્ડના મતદારો પૈકી કોઈ એક જણે મને મત આપ્‍યો છે,'' એમ એમણે કહ્યું. પરબતસર નગરપાલિકામાં ૨૫ વોર્ડ છે. કોંગ્રેસ ૧૩ વોર્ડમાં વિજયી થઈ છે, જ્‍યારે અન્‍ય ૧૨ વોર્ડ ભાજપે કબજે કર્યા છે. આમ પાલિકામાં કોંગ્રેસ સત્તાસૂત્ર ગ્રહણ કરશે.

સમસ્‍ત રાજસ્‍થાન રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ૩૦૯ સંસ્‍થાઓમાં હજી મતગણતરી ચાલી રહી છે. અહીં એકંદરે ૧૦,૦૦૦ થી વધુ બેઠકો પર હરીફોનો મુકાબલો થઈ રહ્યો છે.

(9:57 AM IST)