<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

OpenAI માં મોટું ‘રાજીનામું’: ભારતીય મૂળના CTO શ્રીનિવાસ નારાયણને માત્ર ૩ વર્ષમાં કેમ છોડી દીધી દુનિયાની સૌથી શક્તિશાળી AI કંપની?

માતા-પિતા સાથે સમય વિતાવવા અને નવા પડકારો ઝીલવા લીધો નિર્ણય; નારાયણન સાથે અન્ય બે દિગ્ગજોએ પણ કંપનીને કીધું ‘ગુડબાય’, OpenAI માં મોટા પાયે ફેરબદલના સંકેત

રાજકોટ:  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ લાવનાર કંપની OpenAI માં અત્યારે નેતૃત્વ પરિવર્તનનો મોટો પવન ફૂંકાઈ રહ્યો છે. કંપનીના B2B એપ્લિકેશન્સના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) અને ભારતીય મૂળના દિગ્ગજ એન્જિનિયર શ્રીનિવાસ નારાયણને કંપની છોડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. એપ્રિલ ૨૦૨૩ માં જોડાયેલા નારાયણને માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં ChatGPT અને API પ્લેટફોર્મને વૈશ્વિક સ્તરે સફળ બનાવવામાં સિંહફાળો આપ્યો હતો.
વિદાય પાછળનું અંગત અને વ્યાવસાયિક કારણ
શ્રીનિવાસ નારાયણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવુક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેઓ હવે ભારત જઈને તેમના વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માંગે છે. તેમણે આ ત્રણ વર્ષની સફરને ‘દસ વર્ષ જેટલી ગાઢ’ ગણાવી હતી. નારાયણના મતે, તાજેતરમાં લોન્ચ થયેલા પ્રોડક્ટ્સ બાદ કંપની અત્યારે મજબૂત સ્થિતિમાં છે અને તેમના માટે પાછા હટવાનો આ ‘યોગ્ય સમય’ છે. IIT મદ્રાસના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીએ OpenAI ની એપ્લાઇડ એન્જિનિયરિંગ ટીમને માત્ર ૪૦ લોકોમાંથી એક વિશાળ વિભાગમાં પરિવર્તિત કરી હતી.
એકસાથે ત્રણ દિગ્ગજોની એક્ઝિટ
OpenAI માટે ચિંતાની વાત એ છે કે માત્ર નારાયણન જ નહીં, પણ અન્ય બે વરિષ્ઠ અધિકારીઓએ પણ કંપની છોડી છે. ‘OpenAI ફોર સાયન્સ’ ના વડા કેવિન વેઇલ અને વિડિયો મોડલ ‘સોરા’ (Sora) પર કામ કરનારા બિલ પીબલ્સ પણ વિદાય લઈ રહ્યા છે. આ સાથે જ કંપનીએ તેના વિજ્ઞાન વિભાગને સંપૂર્ણપણે બંધ કરીને તેને અન્ય ટીમોમાં ભેળવી દેવાનો નિર્ણય લીધો છે. કંપની અત્યારે પ્રાયોગિક પ્રોજેક્ટ્સને બદલે વ્યાપારી રીતે સફળ ઉત્પાદનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આંતરિક પુનર્ગઠન કરી રહી છે.
OpenAI માં ચાલી રહ્યું છે તોફાન?
છેલ્લા કેટલાક સમયથી OpenAI ના ટોચના નેતૃત્વમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. માર્કેટિંગ ચીફ કેટ રાઉચે કેન્સરની સારવાર માટે અને પ્રોડક્ટ ચીફ ફિડજી સિમોએ તબીબી રજા પર જવાની જાહેરાત કરી છે. ઓપરેટિંગ ચીફ બ્રેડ લાઇટકેપ પણ નવી ભૂમિકામાં શિફ્ટ થયા છે. આ તમામ ફેરફારો સૂચવે છે કે કંપની હવે માત્ર સંશોધન પૂરતી મર્યાદિત ન રહીને, એન્ટરપ્રાઇઝ માર્કેટમાં પોતાનો દબદબો જમાવવા માટે ‘કોર્પોરેટ ઓવરહોલિંગ’ કરી રહી છે.
શ્રીનિવાસ નારાયણન અગાઉ મેટા (ફેસબુક) માં પણ ૧૦ વર્ષ સુધી એન્જિનિયરિંગના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. તેમની વિદાય OpenAI માટે એક મોટી ખોટ સાબિત થઈ શકે છે, જોકે કંપનીએ હજુ સુધી તેમના અનુગામીના નામની જાહેરાત કરી નથી.

(6:48 PM IST)