તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
સાયબર કાફે કે ઓફિસ PC પર WhatsApp વેબ ખોલવું જોખમી: ગૃહ મંત્રાલયના I4C ની એકાઉન્ટ હેકિંગ અંગે મોટી ચેતવણી
નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે સક્રિય સત્રોના દુરુપયોગ સામે એડવાઈઝરી જારી કરી : જેમાં ખાનગી ચેટ્સ લીક થવા, ફિશિંગ અને નાણાકીય છેતરપિંડીના જોખમ અંગે સાવચેત રહી કામ પૂર્ણ થતા જ લોગ-આઉટ કરવાની સલાહ અપાઈ

નવી દિલ્હી : ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) હેઠળના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ એ WhatsApp વેબનો ઉપયોગ કરનારા લોકો માટે ગંભીર સાયબર સુરક્ષા ચેતવણી જારી કરી છે. જો કોઈ વ્યક્તિ ઓફિસના કોમન કમ્પ્યુટર, સાયબર કાફે, હોટેલ બિઝનેસ સેન્ટર કે જાહેર કિઓસ્ક પર WhatsApp વેબ લોગ-ઇન કરીને ભૂલી જાય, તો સક્રિય સત્ર (એક્ટિવ સેશન) નો દુરુપયોગ થઈ શકે છે. આ સ્થિતિમાં અન્ય વ્યક્તિ તમારા ખાનગી સંદેશાઓ વાંચી શકે છે, તમારા નામે સંપર્કોને મેસેજ મોકલી શકે છે અને ફિશિંગ કે નાણાકીય છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.
I4C એ સ્પષ્ટ સૂચના આપી છે કે જાહેર કે બહુવિધ લોકો દ્વારા વપરાતા કમ્પ્યુટર પર WhatsApp વેબનો ઉપયોગ ટાળવો જોઈએ અને સરકારી, સંગઠનાત્મક, બેંકિંગ કે અન્ય સંવેદનશીલ માહિતી શેર કરવાનું ટાળવું હિતાવહ છે. જો કોઈ વિશ્વસનીય સિસ્ટમ પર WhatsApp વેબનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય, તો હંમેશા ઇન્કોગ્નિટો/પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારેય કાયમ માટે લોગ-ઇન રાખવું નહીં, તેમજ કામ પૂર્ણ થાય કે તરત જ લોગ-આઉટ કરવું ફરજિયાત છે.
આ ઉપરાંત, સુરક્ષા જાળવવા માટે વપરાશકર્તાઓએ પોતાના ફોન અને કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર તથા સિક્યુરિટી સોફ્ટવેર અપડેટ રાખવા જોઈએ અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરવા કે ક્રેક્ડ સોફ્ટવેર વાપરવાથી દૂર રહેવું જોઈએ. જો તમારા એકાઉન્ટમાંથી તમે ન મોકલ્યા હોય તેવા સંદેશા જાય કે અજાણ્યા પ્રતિસાદ દેખાય તો તેને અવગણ્યા વિના તરત જ સક્રિય સત્રો તપાસવા જરૂરી છે, કારણ કે થોડીક સાવચેતી તમારું એકાઉન્ટ ખોટા હાથમાં જતું અટકાવી શકે છે.
(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
