<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

બંગાળમાં 'ઓપરેશન ફેન્સિંગ': સુવેન્દુ અધિકારીનો મોટો નિર્ણય : શું ઢાકા અને કોલકાતા વચ્ચે હવે કાંટાળા તારના સંબંધો બંધાશે?

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરહદ પર 850 કિલોમીટરની ખુલ્લી જમીન BSFને સોંપવાની પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવાની ગર્જના કરતા બાંગ્લાદેશમાં ખળભળાટ મચી ગયો

કોલકાતા:  પશ્ચિમ બંગાળની રાજનીતિમાં 'લેવાયેલો પ્રથમ કેબિનેટ નિર્ણય હવે આંતરરાષ્ટ્રીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ભાજપના ચૂંટણી વચનને અમલમાં મૂકતા જાહેરાત કરી છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે બાકી રહેલી તમામ જમીન BSFને સોંપવામાં આવશે. મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન જે જમીન સંપાદનના મુદ્દે વિવાદો ચાલતા હતા, તેને હવે યુદ્ધના ધોરણે ઉકેલવા માટે 45 દિવસની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. આ નિર્ણય માત્ર રાજ્યની સુરક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બંગાળના રાજકારણમાં "તુષ્ટિકરણ" વિરુદ્ધ "કડક શાસન" ના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.

આ જાહેરાતના પડઘા પડોશી દેશ બાંગ્લાદેશમાં તીવ્રતાથી પડ્યા છે. વડાપ્રધાન તારિક રહેમાનના સલાહકાર એમ. હુમાયુ કબીરે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બાંગ્લાદેશના લોકો "કાંટાળા તારથી ડરતા નથી." બાંગ્લાદેશે ચેતવણી આપી છે કે જો સરહદ પર સુરક્ષા દળો દ્વારા હિંસા કે હત્યાઓ થશે તો તેઓ ચૂપ રહેશે નહીં. ઢાકાએ ભારતના આ પગલાને માનવીય અભિગમ વિરુદ્ધ ગણાવીને યાદ અપાવ્યું છે કે ચૂંટણીના ભાષણો અને શાસનની નીતિઓ વચ્ચે મોટો તફાવત હોય છે. આ નિવેદનો સ્પષ્ટ કરે છે કે આવનારા દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સરહદ વ્યવસ્થાપન એક મોટો પડકાર બની રહેશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 4,097 કિલોમીટર લાંબી આ સરહદ પર હજુ પણ લગભગ 850 કિલોમીટરનો વિસ્તાર વાડ વગરનો છે, જેમાંથી 175 કિલોમીટરનો પટ્ટો ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ છે. સુવેન્દુ અધિકારીની આક્રમક રણનીતિ સામે બાંગ્લાદેશે હવે કેન્દ્ર સરકાર તરફ નજર દોડાવી છે, કારણ કે તેમનું માનવું છે કે વિદેશી સંબંધો રાજ્ય સરકાર નહીં પણ કેન્દ્ર નક્કી કરે છે. જોકે, દિલ્હી અને કોલકાતામાં હવે એક જ પક્ષની વિચારધારા ધરાવતી સરકારો હોવાથી, આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તેવી પૂરી શક્યતા છે. આ ફેન્સિંગ બાદ ઘૂસણખોરીના મુદ્દે દાયકાઓથી ચાલી રહેલી રાજનીતિમાં શું વળાંક આવશે, તેના પર આખા દેશની નજર છે.

(5:24 PM IST)