News of Friday, 1st May 2026
“ઓપરેશન ગ્લોબલ હન્ટ”: વિદેશમાં છુપાયેલા ૧૦૦ માફિયાઓનો કાળ આવશે, ભારતીય એજન્સીઓનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય મિશન
દાઉદના સાથી સલીમ ડોલાના દેશનિકાલ સાથે એજન્સીઓએ રણશિંગુ ફૂંક્યું: CBI, ED, NIA અને NCB હવે ઇન્ટરપોલની મદદથી ભાગેડુઓને ખાસ વિમાન દ્વારા ભારત લાવશે : ૨૦૨૫માં ₹૨,૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને સિન્ડિકેટની કમર તોડી નાખી

નવી દિલ્હી: ભારત સરકારે વિદેશી ધરતી પર બેસીને ભારત વિરુદ્ધ ડ્રગ ટેરર અને આર્થિક ગુનાઓનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને જડબાતોડ જવાબ આપવા માટે "ઓપરેશન ગ્લોબલ હન્ટ" ની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક મિશન હેઠળ, ભારતીય તપાસ એજન્સીઓએ ઇન્ટરપોલના સભ્ય દેશો સાથે મળીને ૧૦૦ થી વધુ ભાગેડુ ગુનેગારોની યાદી તૈયાર કરી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ લાંબી પ્રત્યાર્પણ પ્રક્રિયાને બદલે, ઇન્ટરપોલની 'સિલ્વર નોટિસ' અને 'ડોઝિયર' દ્વારા ગુનેગારોને શોધી કાઢી, તેમને સીધા દેશનિકાલ (Deportation) કરાવી ખાસ વિમાન મારફતે ભારત પાછા લાવવાનો છે.
આ ઓપરેશનનો સૌથી મોટો ફટકો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નેટવર્કને પડ્યો છે. તપાસ એજન્સીઓએ સફળતાપૂર્વક દાઉદના અત્યંત નજીકના સાથી સલીમ ઇસ્માઇલ ડોલાને તુર્કીના ઇસ્તંબુલથી ભારત દેશનિકાલ કરવામાં સફળતા મેળવી છે. સલીમ ડોલા આંતરરાષ્ટ્રીય ડ્રગ ટેરર નેટવર્કનો મહત્વનો હિસ્સો હતો. આ સિવાય, દુબઈ પોલીસની કસ્ટડીમાં રહેલા જસવિંદર ઉર્ફે જાઝ અને સની કાલરા સહિત ૧૧ અગ્રણી વ્યક્તિઓ પર પણ શિકંજો કસવામાં આવ્યો છે. આ યાદીમાં હાજરા મેમન, હરમીત સિંહ અને સંદીપ ધુનિયા જેવા મોટા માથા સામેલ છે, જેઓ વિદેશથી ભારતમાં ડ્રગ્સ અને સાયબર ગુનાઓનું સંચાલન કરતા હતા.
વર્ષ ૨૦૨૫ દરમિયાન ભારતના નાર્કોટિક્સ વિરોધી અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. એજન્સીઓએ કુલ ૧,૩૩,૦૦૦ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે ₹૨,૦૦૦ કરોડ ($૨૦ બિલિયન) આંકવામાં આવી છે. આ જથ્થામાંથી ૭૭,૦૦૦ કિલોગ્રામનો નાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન ગ્લોબલ હન્ટ દ્વારા ભારત સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારો હવે સુરક્ષિત નથી. આ મિશનથી માત્ર ગુનાખોરી જ નહીં, પણ લોજિસ્ટિક્સ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મૂળિયાં પણ હચમચી ગયા છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
