તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઇગર'નો મોટો ધડાકો: એકનાથ શિંદેને ભેટમાં મળી વાઘની સોનેરી પ્રતિમા!
ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષપલટા બાદ શિવસેનામાં ભવ્ય ઉજવણી: આદિત્ય ઠાકરેએ ભાજપ અને બળવાખોરો પર પ્રહારો કરતા કહ્યું- "આ વાઘ નથી, બીકણ અને વેચાયેલા લોકો છે"

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચાવનાર 'ઓપરેશન ટાઇગર'ની સફળતા બાદ રાજ્યના સત્તાધારી પક્ષોમાં જોરદાર ઉત્સાહનો માહોલ છે. ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના વડા એકનાથ શિંદે જેવા જ વિધાનભવનમાં પ્રવેશ્યા, કે તરત જ પક્ષના ધારાસભ્યો અને કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન શિવસેનાના સભ્યોએ એકનાથ શિંદેને સોનેરી રંગની વાઘની એક નાની પ્રતિમા ભેટમાં આપીને આ ગુપ્ત ઓપરેશનની સફળતાની ઉજવણી કરી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ 'ઓપરેશન ટાઇગર' અંતર્ગત થયો છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના બળવાખોર સાંસદોને શિંદે જૂથમાં લાવવાની રણનીતિ સફળ રહી હોવાનો દાવો કરાયો છે. સત્તાવાર અહેવાલો મુજબ, બાળાસાહેબ ઠાકરેની વિચારધારાને અનુસરતા છ જેટલા સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર સોંપી દીધો છે અને તેઓ સત્તાવાર રીતે શિવસેનામાં જોડાઈ રહ્યા છે. મંત્રી પ્રતાપ સરનાઈકે આ અંગે કટાક્ષ કરતા કહ્યું કે, "અમારું ઓપરેશન ટાઈગર વર્ષના ૩૬૫ દિવસ ચાલુ રહે છે અને વિપક્ષી નેતા સંજય રાઉતના કારણે જ પહેલા ધારાસભ્યો અને હવે સાંસદો અમારી સાથે આવી રહ્યા છે."
બીજી તરફ, આ પક્ષપલટાને કારણે શિવસેના (UBT) છાવણીમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતા યુવા નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ અને બળવાખોર નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બળવાખોર સાંસદોની આકરી નિંદા કરતા તેમને 'બીકણ અને વેચાયેલા' (દર્પોક ઔર બિકૌ) ગણાવ્યા હતા. ઠાકરેએ આરોપ લગાવ્યો કે, "આ લોકો જનતાના મતે ચૂંટાયા બાદ હવે વિશ્વાસઘાત કરી રહ્યા છે. ભાજપ બંધારણ બદલવા માટે દેશભરમાં વિરોધ પક્ષોને તોડી રહી છે અને જે રીતે અમારો પક્ષ તોડવામાં આવ્યો, તે જ રીતે ટીએમસી અને આપ (AAP)ને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે."
આ રાજકીય ડ્રામા અને આક્ષેપબાજી વચ્ચે મહારાષ્ટ્રનું ચોમાસુ સત્ર અત્યંત તોફાની બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એક તરફ શિંદે જૂથ વાઘની પ્રતિમા સાથે પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યું છે, તો બીજી તરફ ઉદ્ધવ જૂથ ન્યાય અને બંધારણની રક્ષા માટે જનતાની અદાલતમાં જવાની વાત કરી રહ્યું છે. મુંબઈના રાજકીય ગલિયારાઓમાં હવે આગામી દિવસોમાં આ 'વાઘ'ની લડાઈ કેવો નવો વળાંક લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
