<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષી સાંસદોના જંતર મંતર પર ધરણાં : રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષનો હોબાળો

આકાશાવાણી ભવનથી ધરપકડ બાદ મુક્ત કરાયેલા રાહુલ ગાંધીનો શાબ્દિક હુમલો - "જ્ઞાનેશ કુમાર દેશના વૈધ ચૂંટણી કમિશનર નથી, મારી સામે ૧૦૦ એફઆઈઆર થાય તો પણ વિરોધ ચાલુ રહેશે"

નવી દિલ્હી:મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને મતદારયાદીની ખાસ ગહન સુધારણા (SIR) પ્રક્રિયામાં ગેરરીતિઓના આક્ષેપો સાથે 'ઈન્ડિયા' ગઠબંધનના વિપક્ષી સાંસદોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન તેજ કર્યું છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળ આશરે ૩૦૦ જેટલા સાંસદોએ બસ મારફતે જંતર મંતર પહોંચીને ધરણ પ્રદર્શન શરૂ કર્યું છે. આ પૂર્વે મંગળવારે આકાશવાણી ભવન ખાતે ધરણાં પર બેસેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી અને મોડી રાત્રે મુક્ત કર્યા હતા. દિલ્હી પોલીસે આકાશવાણી ભવનમાં વગર પરવાનગીએ પ્રવેશ કરવા બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે એફઆઈઆર પણ દાખલ કરી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત બપોરના ભોજન બાદ વિપક્ષી સાંસદોએ જંતર મંતર તરફ કૂચ કરી હતી. રાહુલ ગાંધીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર દેશના વૈધ ચૂંટણી કમિશનર નથી અને જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સામે અત્યાર સુધી ૪૫ એફઆઈઆર નોંધાઈ છે અને તેમનો લક્ષ્યાંક ૧૦૦ એફઆઈઆરનો છે, કારણ કે દરેક એફઆઈઆર તેમના માટે મેડલ સમાન છે. મલ્લિકાર્જુન ખડગેએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે એફઆઈઆરથી વિપક્ષ ડરવાનો નથી પરંતુ આ આંદોલનને વધુ તીવ્ર બનાવશે. વિપક્ષી દળોએ આ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે મળવાનો સમય પણ માંગ્યો છે.

આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે મતદારયાદીની સુધારણા પ્રક્રિયામાં ફોર્મ ૬ અને ૭ના ઉપયોગ સામે અને ૧૩.૫ કરોડ ગાયબ મતદારોના મુદ્દે થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જાહેરાત કરી છે કે 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા ૮ ઓક્ટોબર સુધી જિલ્લા કક્ષાની પદયાત્રા, ૧૦ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન બ્લોક કક્ષાની બેઠકો અને ૨૫ ઓક્ટોબર થી ૨૫ નવેમ્બર સુધી 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીઓનું આયોજન કરવામાં આવશે. આ સિવાય કૌકરોચ જનતા પાર્ટી (CJP) અને દેશના યુવાનો દ્વારા પણ ૧૦ ઓક્ટોબરે જંતર મંતર ખાતે મોટા પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.

બીજી તરફ ભાજપ અને કેન્દ્ર સરકારે વિપક્ષના આ આંદોલનની સખત ટીકા કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દેશમાં અરાજકતા ફેલાવવાનો અને ચૂંટણી પંચ તથા સુપ્રીમ કોર્ટ જેવી બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ સવાલ ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ હંમેશાં નિષ્પક્ષ મતદારયાદીની પ્રક્રિયાનો વિરોધ શા માટે કરે છે. સુપ્રીમ કોર્ટ પણ ચૂંટણી કમિશનરની નિમણૂકના કાયદા અંગેની અરજી પર વિચારણા કરી રહી છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે જંતર મંતર અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

(4:22 PM IST)