<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ચૂંટણી પંચ સામે વિપક્ષના આકરા પાણી: મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમાર વિરુદ્ધ 'ઇન્ડિયા' ગઠબંધનનું 'જન મહાભિયોગ' પ્રદર્શન

​મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારની અધ્યક્ષતામાં વિપક્ષી મોરચાની મૉક સંસદ યોજાઈ; રવિવારની રામલીલા મેદાનની રેલી અગાઉ સીઇસીના રાજીનામાની માગ કરી બુલંદ

​નવી દિલ્હી: ​દેશમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) અને ચૂંટણી પંચની આંતરિક કામગીરી સામે લાંબા સમયથી સવાલો ઉઠાવી રહેલા વિપક્ષી 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધને હવે સીધા સંઘર્ષના એંધાણ આપ્યા છે. મતદાર યાદીમાં કથિત ગરબડ અને અનિયમિતતાઓના આરોપ સાથે વિપક્ષી દળોએ શનિવારે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ગ્યાનેશ કુમાર સામે મોરચો ખોલીને પ્રતીકાત્મક 'જન મહાભિયોગ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

​ખડગેના નિવાસ્થાને યોજાયો મૉક સંસદ કાર્યક્રમ

દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સરકારી નિવાસસ્થાને આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ગઠબંધનના તમામ પ્રમુખ વિપક્ષી નેતાઓ એકત્ર થયા હતા. પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારની અધ્યક્ષતામાં આ સમગ્ર પ્રતીકાત્મક કાર્યવાહી (મૉક સંસદ) ચલાવવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષી આગેવાનોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર આકરા પ્રહારો કર્યા હતા અને ચોક્કસ વિસ્તારોમાં મતદારોના નામ દૂર કરવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

​રવિવારે રામલીલા મેદાન ખાતે યોજાશે 'દિલ્હી ચલો' રેલી

ઉલ્લેખનીય છે કે, 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા રવિવારે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી પ્રસ્તાવિત 'દિલ્હી ચલો' મહારેલીના એક દિવસ અગાઉ જ આ આક્રમક કદમ ઉઠાવવામાં આવ્યું છે. રવિવારની રેલીમાં વિપક્ષના તમામ ચહેરાઓ એકમંચ પર આવીને મુખ્ય ચૂંટણી કમિશનર ગ્યાનેશ કુમારના રાજીનામાની માગને વધુ ઉગ્રતાથી દેશ સમક્ષ મૂકશે. ચૂંટણી પંચ સામે વિપક્ષના આ આકરા વલણને કારણે રાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

(6:14 PM IST)