<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ક્રિપ્ટો બજારમાં હાહાકાર: દુનિયાનું સૌથી મોટું એક્સચેન્જ 'કોઈનબેઝ' 7 કલાક સુધી રહ્યું ઠપ, ડેટા સેન્ટરની ગરમીએ કરોડો યુઝર્સના શ્વાસ અધ્ધર કર્યા

ક્રિપ્ટો બજારમાં હાહાકાર: દુનિયાનું સૌથી મોટું એક્સચેન્જ 'કોઈનબેઝ' 7 કલાક સુધી રહ્યું ઠપ, ડેટા સેન્ટરની ગરમીએ કરોડો યુઝર્સના શ્વાસ અધ્ધર કર્યા

વર્જિનિયા: તા.૦૮ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાં સામેલ કોઈનબેઝ (Coinbase) ને શુક્રવારે એક મોટા ટેકનિકલ ઝટકાનો સામનો કરવો પડ્યો હતો. અમેઝોન વેબ સર્વિસીસ (AWS) ના ડેટા સેન્ટરમાં અતિશય ગરમી એટલે કે 'ઓવરહિટીંગ' થવાને કારણે કોઈનબેઝનું પ્લેટફોર્મ સતત 7 કલાક સુધી બંધ રહ્યું હતું. આ દરમિયાન લાખો યુઝર્સ ન તો ટ્રેડિંગ કરી શક્યા કે ન તો પોતાની ડિજિટલ એસેટ્સ ટ્રાન્સફર કરી શક્યા, જેને કારણે સોશિયલ મીડિયા પર રોષ જોવા મળ્યો હતો.

કોઈનબેઝ ગ્લોબલ ઇન્ક દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, ઉત્તરી વર્જિનિયા સ્થિત AWS ડેટા સેન્ટરમાં તાપમાન વધી જવાથી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. શુક્રવારે સવારે સમસ્યાની જાણ થયા બાદ સેવાઓ પૂર્વવત કરવામાં અંદાજે 7 કલાકનો સમય લાગ્યો હતો. જોકે, આ સમયગાળા દરમિયાન રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો, કારણ કે ક્રિપ્ટો માર્કેટમાં ઉતાર-ચઢાવ ખૂબ જ ઝડપી હોય છે અને એક્સચેન્જ બંધ રહેતા તેઓ સોદા કરી શક્યા નહોતા.
આ ટેકનિકલ ખામી એવા સમયે આવી છે જ્યારે કોઈનબેઝ પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ તેના 14 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન પર વધુ ભાર મૂકી રહી છે, પરંતુ આ બદલાવ વચ્ચે સર્જાયેલી ટેકનિકલ ખામીએ કંપનીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. આર્થિક મોરચે પણ કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં 394 મિલિયન ડોલરની નેટ લોસ નોંધાવી છે.
ક્રિપ્ટો નિષ્ણાતોના મતે, ડિજિટલ બજારમાં 'ટેકનિકલ સ્ટેબિલિટી' જ સૌથી મોટો ભરોસો હોય છે. જો કોઈ મોટું પ્લેટફોર્મ લાંબા સમય સુધી બંધ રહે, તો રોકાણકારોનો વિશ્વાસ ડગમગી શકે છે. આ ઘટનાએ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. શેરબજારમાં પણ કોઈનબેઝના શેરમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જે રોકાણકારોની ચિંતા સ્પષ્ટપણે દર્શાવે છે.

(10:50 PM IST)