તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
માલીમાં આતંકી હુમલા બાદ હાહાકાર: એરલાઇન્સે તમામ ઉડાનો રદ કરી, રક્ષા મંત્રીનું મોત અને બળવાખોરોનો કબજો વધતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
જેહાદીઓ અને તુઆરેગ બળવાખોરોએ હાથ મિલાવતા માલી સરકાર સંકટમાં; કાઈડલ શહેર પર વિપક્ષી સેનાનો કબજો, એરપોર્ટ અને લશ્કરી મથકો પર વિસ્ફોટો

બમાકો (માલી), તા. 29: પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં છેલ્લા 15 વર્ષનો સૌથી ભયાનક આતંકી હુમલો થતા સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ઇસ્લામી ઉગ્રવાદીઓ અને તુઆરેગ અલગતાવાદીઓએ સંયુક્ત રીતે કરેલા ભીષણ હુમલા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી છે. આ સંકટને પગલે સ્થાનિક એરલાઇન 'સ્કાય માલી' એ તેના ઉત્તર અને મધ્ય ભાગના તમામ પ્રદેશોની ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવાયો છે.
શનિવારે વહેલી સવારે થયેલા આ હુમલામાં માલીના રક્ષા મંત્રી સાદિયો કામરાનું મોત થયું હોવાના સમાચારથી દેશમાં ખળભળાટ મચી ગયો છે. જેહાદી જૂથ 'JNIM' અને તુઆરેગ બળવાખોરોના સંગઠન 'FLA' એ સાથે મળીને દેશના મહત્વના શહેરો કાઈડલ, ગાઓ અને સેવારે પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, રાજધાની બમાકોની બહાર આવેલા સૈન્ય મથકો પણ આ હુમલાની લપેટમાં આવ્યા છે. રક્ષા મંત્રીના નિવાસસ્થાનને પણ કાર બોમ્બ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અત્યાર સુધી એકબીજાના કટ્ટર દુશ્મન ગણાતા જેહાદીઓ અને તુઆરેગ બળવાખોરો હવે સત્તાધારી સૈન્ય જુન્ટા અને તેમના રશિયન સમર્થકો સામે એક થઈ ગયા છે. બળવાખોરોએ રણ પ્રદેશમાં આવેલા મહત્વના શહેર કાઈડલ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો છે. એરપોર્ટ નજીક આવેલા એરફોર્સ બેઝ 101 પર પણ વિસ્ફોટો અને ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ છે.
માલી છેલ્લા એક દાયકાથી હિંસા અને અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે, પરંતુ આ લેટેસ્ટ હુમલાઓએ 2012 ના સંકટની યાદ તાજી કરાવી દીધી છે. તે સમયે પણ બળવાખોરોએ વ્યૂહાત્મક મથકો કબજે કર્યા હતા. વર્તમાન સરકાર (જુન્ટા) જેણે 2020 માં સત્તા હાંસલ કરી હતી, તે હવે આ નવા ગઠબંધન સામે ટકી રહેવા મરણિયા પ્રયાસો કરી રહી છે. હજારો લોકો જીવ બચાવવા પડોશી દેશ મૌરિટાનિયા તરફ પલાયન કરી રહ્યા છે, જે આફ્રિકાના આ હિસ્સામાં મોટી માનવીય કટોકટી તરફ ઈશારો કરે છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
