તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
NEET પરીક્ષામાં ગેરરીતિ સામે આક્રોશ: સોનમ વાંગચુકની સરકારને લાલ આંખ, 'ભ્રષ્ટાચારના પાયા પર ચણાયેલી શિક્ષણ વ્યવસ્થા આખરે ધરાશાયી જ થશે'
દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલનમાં સોનમ વાંગચુકની સરકારને આકરી ચેતવણી: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે અડગ આંદોલનકારીઓએ વડાપ્રધાન પાસે માંગી સંવેદના

નવી દિલ્હી: દેશભરમાં ચકચાર જગાવનાર NEET-UG પ્રશ્નપત્ર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના મામલે હવે આંદોલન તેજ બન્યું છે. જાણીતા શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આ સમગ્ર પ્રકરણમાં કેન્દ્ર સરકારને આડે હાથ લેતા ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં વાંગચુકે શિક્ષણ જગતની હાલની સ્થિતિ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જો નકલ કરીને પાસ થનારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એન્જિનિયર બનશે, તો તેઓ જે ઈમારતો બનાવશે તે ગમે ત્યારે ધરાશાયી જ થવાની છે. શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
સોળમા દિવસે પણ આંદોલન યથાવત
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત આ આંદોલનના ભાગરૂપે સોનમ વાંગચુકના અનિશ્ચિત મુદતના ઉપવાસનો સોમવારે ૧૬મો દિવસ હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ માત્ર સમસ્યાના ઉકેલની શરૂઆત છે. તેમણે માંગ કરી છે કે સંસદના આગામી ચોમાસુ સત્રમાં આ ગંભીર મુદ્દા પર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. માત્ર રાજીનામું જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી સુધારાની જરૂર છે, જેમાં સરકારને શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને સાથે રાખીને નીતિઓ ઘડવાની સલાહ આપી હતી.
લોકશાહીમાં સંવેદના જરૂરી, જડતા નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતા વાંગચુકે અપીલ કરી હતી કે સરકાર લોકોનો અવાજ સાંભળે. તેમણે કહ્યું, "લોકશાહી કરુણા અને સંવેદનાથી ચાલે છે, સરકાર જડ વલણ અપનાવવાને બદલે વિદ્યાર્થીઓની પીડા સમજે." આંદોલનમાં ભાગ લેનાર લોકોની સંખ્યા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભલે સંખ્યા ઓછી દેખાતી હોય, પરંતુ આ ૫,૦૦૦થી ૭,૦૦૦ લોકોનો અવાજ ગંભીર છે. જો સરકાર આ પરિસ્થિતિની ગંભીરતા નહીં સમજે તો જનતા પોતે આ પીડાનો હિસ્સો બનીને રસ્તા પર ઉતરશે.
રાજકીય પક્ષોને આમંત્રણ અને નૈતિક જવાબદારી
વિપક્ષી નેતાઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના જોડાણ અંગેના સવાલો પર વાંગચુકે સ્પષ્ટતા કરી હતી કે આ મંચ રાજકીય રંગથી પર છે. તેમણે તમામ પક્ષોને આ આંદોલનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. જો કોઈ રાજકીય પક્ષ કે નેતા આમાં નહીં જોડાય, તો તે તેમની સંકુચિત માનસિકતા દર્શાવે છે અને અંતે જનતા જ તેમનો નિર્ણય કરશે. આંદોલનકારીઓ હવે સ્પષ્ટ ઈચ્છી રહ્યા છે કે સરકાર માત્ર આશ્વાસન નહીં, પણ નક્કર જવાબદારી નક્કી કરે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
