તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ફ્લેટના અસાધારણ વીજ બિલના કારણે ચીનમાં ૩૦૦થી વધુ અજગર ઉછેરવાના મસમોટા કાળા કારોબારનો પર્દાફાશ : એકલવાયું જીવન જીવતા ગુઓ નામના શખ્સ સહિત ત્રણ આરોપીઓને જેલની સજા
ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં પ્લાસ્ટિકના બોક્સમાં ખડકેલા ૪૩૬ અજગરો જપ્ત કરી પ્રાણીસંગ્રહાલયમાં ખસેડાયા : ઓનલાઈન વેચાણ માટે વર્ષ ૨૦૧૪થી ચાલતા અંદાજે ૩ કરોડ યુઆનના ગેરકાયદેસર નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું

તાઇઝોઉ (ચીન):પૂર્વી ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં આવેલા તાઇઝોઉ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રહેણાંક ફ્લેટની અંદર ગુપ્ત રીતે ચાલી રહેલા અજગરોના ગેરકાયદેસર બ્રીડિંગ (ઉછેર) સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એક ફ્લેટમાં સામાન્ય કરતાં અસાધારણ રીતે વધુ આવતા લાઈટ બિલના આધારે તપાસ કરતા સમગ્ર રેકેટ ઝડપાયું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર, પોલીસે જ્યારે શંકાસ્પદ ફ્લેટ પર દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા, કારણ કે ઘરના ઓરડાઓમાં પ્લાસ્ટિકના બોક્સ એકબીજા પર ગોઠવીને કુલ ૩૦૯ અજગરો રાખવામાં આવ્યા હતા. ચીનના કાયદા મુજબ અજગર એ ગ્રેડ-ટુ સંરક્ષિત પ્રાણીઓની શ્રેણીમાં આવે છે અને તેનો આવો વ્યવસાયિક ઉછેર ગેરકાનૂની છે.
પર્વતની તળેટીમાંથી મળેલા અજગરે પોલીસને આપી કડી:
આ સમગ્ર હાઈટેક તપાસની શરૂઆત ત્યારે થઈ જ્યારે સ્થાનિક વિસ્તારના એક વયોવૃદ્ધ નાગરિકને નજીકના પર્વતની તળેટીમાંથી એક મોટો અને વિદેશી પ્રજાતિનો સાપ મળી આવ્યો હતો. અજગર આ ભૌગોલિક વિસ્તારનું સ્થાનિક પ્રાણી ન હોવાથી અને ચીની કાયદા હેઠળ તે સંરક્ષિત હોવાના કારણે, વહીવટી તંત્રને તુરંત જ શંકા ગઈ કે આસપાસમાં કોઈ ગેરકાયદેસર રીતે સાપનો ઉછેર કરી રહ્યું છે. તપાસ દરમિયાન એક સરીસૃપ નિષ્ણાતે (રેપ્ટાઈલ એક્સપર્ટ) ડિટેક્ટિવ્સને એક મહત્વની વૈજ્ઞાનિક કડી આપી હતી કે, અજગરોને જીવંત રાખવા માટે સતત કૃત્રિમ ગરમી અને ઊંચી ભેજવાળા વાતાવરણની જરૂર પડે છે. આનો અર્થ એ થયો કે જે પણ વ્યક્તિ સાપનો ઉછેર કરી રહ્યો છે, તે પોતાના ફ્લેટનું તાપમાન ૨૦ થી ૩૦ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જાળવવા માટે અસાધારણ માત્રામાં વીજળીનો વપરાશ કરતો હશે.
ઓનલાઈન બિલ સ્ક્રિનિંગથી મુખ્ય સૂત્રધાર 'ગુઓ' ઝડપાયો:
એક્સપર્ટની આ ટીપના આધારે પોલીસે સ્થાનિક વિસ્તારના તમામ રહેણાંક મકાનોના વીજળીના બિલોની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. આ સ્ક્રિનિંગ દરમિયાન ગુઓ સરનેમ ધરાવતા એક સ્થાનિક રહીશનું લાઈટ બિલ શંકાસ્પદ રીતે ઘણું વધારે હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ગુઓ અપરિણિત અને બેરોજગાર હતો, જેણે પોતાના ઘરનું તમામ ફર્નિચર સંકોચીને માત્ર એક બેડરૂમ પૂરતું મર્યાદિત કરી દીધું હતું. તેણે પોતાના ફ્લેટના બાકીના બે બેડરૂમ અને લિવિંગ રૂમનો ઉપયોગ માત્ર ને માત્ર આ વિશાળ સાપના કલેક્શનને રાખવા માટે કર્યો હતો.
૪ અજગરોમાંથી વધારીને ૪૩૬ કર્યા, વૈશ્વિક બજારમાં કિંમત કરોડોમાં:
પોલીસની ઊંડી પૂછપરછમાં ગુઓએ સ્વીકાર્યું હતું કે તેણે અને તેના એક સાથીદારે વર્ષ ૨૦૧૪માં શરૂઆતમાં માત્ર ચાર અજગરો ખરીદ્યા હતા. ત્યારબાદના વર્ષોમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસ કરીને તેમણે સેંકડો અજગરો પેદા કર્યા, જેને તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને ઊંચી કિંમતે વેચતા હતા. પોતાની જાતને 'ક્રિએચર ક્રિએટર' (જીવ નિર્માતા) તરીકે ઓળખાવતા ગુઓએ પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે તેને આ સરીસૃપો પ્રત્યે કોઈ ડર નથી અને સાપોમાં અલગ-અલગ આકર્ષક રંગો એન્જિનિયરિંગ કરવાનો તેને ભારે શોખ છે.
અદાલતે ફટકારી જેલની સજા, સાપોને ઝૂમાં મોકલાયા:
સમગ્ર પોલીસ ઓપરેશન દરમિયાન અલગ-અલગ જગ્યાએથી કુલ ૪૩૬ અજગરો કબજે કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત ૩૦ મિલિયન યુઆન એટલે કે આશરે ૩૩ લાખ પાઉન્ડ (ભારતીય ચલણમાં કરોડો રૂપિયા) થાય છે. ચીનના ફોજદારી કાયદા હેઠળ, સંરક્ષિત પ્રાણીઓનો ગેરકાયદેસર ઉછેર કે વેચાણ કરવા બદલ મહત્તમ પાંચ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ મામલે સ્થાનિક અદાલતે મુખ્ય આરોપી ગુઓ અને તેના અન્ય બે સાથીદારોને કડક જેલની સજા ફટકારી છે. પોલીસ દ્વારા બચાવવામાં આવેલા તમામ અજગરોને સુરક્ષિત રીતે સ્થાનિક પ્રાણીસંગ્રહાલય (ઝૂ) માં મોકલી આપવામાં આવ્યા છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
